(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
સુરત શહેરના પાંડેસરા અપેક્ષાનગર ખાતે ત્રીજા માળેથી દસ મહિનાનો બાળક અચાનક નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરા અપેક્ષા નગર ખાતે રહેતા જ્ઞાનેશ્વરભાઈ પાટીલ લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો દસ મહિનાનો પુત્ર જયેશ રવિવારે સાંજે ઘરે ત્રીજા માળે દાદા-દાદી પાસે પલંગ પર રમતો હતો. પલંગ બારીની અડીને હોવાથી માસુમ જયેશ રમતા-રમતા બારી નજીક પહોંચી ગયો હતો. હજી તો બેસતા શીખેલો જયેશ બારી નજીક પલંગ પર બેઠો હતો. દરમિયાન તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને તે બારી તરફ પડી ગયો હતો. બારી ખુલ્લી હોવાથી તે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. માસુમ જયેશ નીચે પટકાયો હોવાની જાણ થતા પરિવાર નીચે દોડી ગયો હતો અને ગંભીર રીતે ઘવાયેલા જયેશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ માસુમ જયેશનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.