(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૬
વડોદરા શહેરનાં ઇલોરાપાર્ક વિસ્તારની પંકજ સોસાયટીમાં રહેતાં એક પીઝા શોપના કારીગરો ગેસલાઇન લિકેજ થવાને કારણે થયેલા બ્લાસ્ટમાં દાઝી ચાર કારીગરો પૈકી આજે વધુ એક કારીગરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત તા.૨૦મીના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલ પંકજ સોસાયટીમાં શહેરની નામાંકિત પીઝા શોપના ચાર જેટલા કારીગરો એક જ જગ્યાએ રહેતા હતા. તેઓ તા.૨૦મીના રોજ રાત્રે મચ્છર ભગવા અગરબત્તી સળગાવીને સુઇ ગયા હતા. દરમિયાન રૂમમાં આવેલ ગેસલાઇનમાંથી અગમ્ય કારણોસર ગેસ ગળતર થતાં તે ગેસ સળગી અગરબત્તીના સંપર્કમાં આવ્યો હતો અને રાત્રીના એક-દોઢ વાગ્યાની આસપાસ રૂમમાં બ્લાસ્ટ થયો હતો અને આગ ભભૂકી ઉઠતાં સુતેલા ચારેય કારીગરોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બે દિવસ અગાઉ સારવાર દરમિયાન રાજેશ શાહુ નામના કારીગરનું મોત નિપજ્યું હતું. આજે વધુ એક કારીગર કીરણ રફીક શેખ (ઉ.વ.૨૭)નું સારવાર દરમિયાન મોત નિપજતાં મૃત્યુઆંક બે પર પહોંચ્યો હતો.