(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને સારી અને સમય પર સારવાર મળી રહે તે માટે પાલિકા જરૂરી સુવિધાઓ પુરી પાડવાની સાથે સારવારમાં દર્દીઓને હાલાકી ન થાય તેમજ સારવારથી વંચિત ન રહે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. જ્યારે પાલિકાની મહેનત ઉપર ત્યાંના જ કેટલાક કામચોર અને નફ્ફટ ડોક્ટરોએ ગત કાલે રાત્રે એક અર્ધ બેભાન થઇ ગયેલ દર્દીને બે – અઢી કલાક સુધી આમ – તેમ ધક્કા ખવડાવ્યા બાદ અહીંયા ડોક્ટર નથી, સારવાર નહીં થાય તેમ કહીને તેને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. એટલું જ નહીં. તેના કેસ પેપર પણ આપ્યા ન હતા.
મળતી માહિતી અનુસાર લીંબાયત ખાતે આવેલા આઝાદ ચોકમાં રહેતા સલમાંબેન આમદખાન પઠાણ (ઉ. વ. ૪૪) ગઇકાલે રાત્રે આઠેક વાગે ઘરના દાદર પરથી પડી ગયા હતા. જેના કારણે તેમના માથાનાં ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેઓ બેભાન થઇ ગયા હતા. પુત્રો સહિત પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા અને આજે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. અહીંયા લાવતા સલમાંબેનના પુત્રો ફિરોજ ખાન અને સલમાન ખાન સહિત પરિવારજનોએ ડોક્ટર સમક્ષ કહ્યું હતું કે, તેઓ રાત્રે તેમને સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ ત્યાંના ડોક્ટરોએ રાતના અઢી વાગ્યા સુધી તેમને જુદા જુદા વિભાગમાં ફેરવીને ધક્કા ખવડાવ્યા અને પછી એવું કીધું કે, અહીં ડોક્ટર નથી એટલે સારવાર નહીં થાય. સિવિલ હોસ્પિટલમાં લઇ જાઓ તેમ કહી તેમના સિંગ્નેચર લઇ લીઘા હતા અને કેસ પેપર પણ લીધા હતા. એટલું જ નહીં તેમને દવા પણ ન આપી મોકલી આપ્યા હતા. તેમની આપવીતી સાંભળી સિવિલના ડોક્ટરો પણ વિચારમાં પડી ગયા હતા અને પછી તેમને યોગ્ય સારવાર આપવાનું શરૂ કર્યું હતું.