મોસ્કો,તા. ૨
ફીફા વર્લ્ડ કપની શરૂઆત આડે હજુ ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે જર્મની જ ફરી એકવાર ચેમ્પિયન બનશે તેવો દાવો હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં મોટા ભાગના લોકો દ્વારા કરવામાં આવ્યો છે. ૧૪મી જુનથી ફીફા વર્લ્ડ કપની શરૂઆત થાય તે પહેલા કરવામાં આવેલા વિશ્વ કપ સર્વેમાં મોટા ભાગના નિષ્ણાત લોકો કહી ચુક્યા છે કે જર્મની ચેમ્પિયન બનશે. નિષ્ણાંતોનું કહેવુ છે કે વ્યક્તિગત દેખાવના મામલે આર્જેન્ટિનાનો લિયોએલ મેસ્સીનો દેખાવ અન્યો કરતા જોરદાર રહેશે. મેસ્સી આ વખતે ગોલ્ડન બુટ એવોર્ડ જીતી જશે. જર્મનીની ટીમ ફરી ચેમ્પિયન બનશે. ફુટબોલની રમત સાથે જોડાયેલા નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે ફિફામાં સર્વે મુજબના પરિણામ જોવા મળી શકે છે. જો જર્મની ટ્રોફી જાળવી રાખવામાં સફળ રહેશે તો બ્રાઝિલ બાદ તે પાંચ વખત વર્લ્ડ કપ જીતનાર ટીમ બની જશે. બ્રાઝિલે હજુ સુધી સૌથી વધારે વખત વર્લ્ડ કપમાં ટ્રોફી જીતી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ૧૪૫ નિષ્ણાંત લોકો પૈકી ૪૩ નિષ્ણાત લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જર્મની વિજેતા બનશે. બીજા નંબર પર બ્રાઝિલને લોકો ગણી રહ્યા છે. તેને ૩૭ વોટ મળ્યા છે. ફાઇનલ મેચ પણ આ બે ટીમો વચ્ચે રમાય તેમ માનવામાં આવે છે. જો કે કેટલાક ફુટબોલ દિગ્ગજો આ સર્વેના તારણ સાથે સહમત નથી. તેમના કહેવા મુજબ સ્પેન પણ જોરદાર દેખાવ કરી શકે છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. આ વર્લ્ડ કપમાં ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. જે પૈકી ૩૧ ટીમો ક્વોલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ ટીમો પૈકી ૧૪ ટીમો તો બે ટુ બેક આવી છે.