જૂનાગઢ, તા.૪
એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ અને વન્યજીવસૃષ્ટિની વૈવિધ્યતા જ્યાં સદાબહાર છે તેવા ગીરના સાસણમાં રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા પ્રવાસન ક્ષેત્રને વેગ મળે તે માટે મોન્સુન ફેસ્ટીવલનો પ્રારંભ થયો છે. સાસણના ભાલછેલના વિશાળ ગ્રાઉન્ડમાં અનેક આકર્ષણો વચ્ચે મોન્સુન ફેસ્ટીવલ મહાનુભાવો અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોની પ્રેરક ઉપસ્થિત વચ્ચે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ગીરની માધુર્યતા વચ્ચે શરૂ થયેલો મોન્સુન ફેસ્ટીવલ તા.૧ ઓકટોબર સુધી ચાલુ રહેશે. પ્રથમ દિવસે ઉદ્‌ઘાટન સમારંભે ગીર આસપાસના સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓને સ્થાનિક રહેવાસીઓએ આવકાર્યા હતા.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગીરમાં પ્રવાસીઓ વન્યજીવ સૃષ્ટિ નિહાળી શકે અને સિંહ જોઈ શકે તે માટે પ્રવાસન વિભાગ અને વન વિભાગ દ્વારા આવકારદાયક પ્રયાસો થઈ રહ્યા છે. મોન્સુન ફેસ્ટીવલના આયોજનથી સ્થાનિક ધંધાર્થીઓને પણ રોજીરોટી મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે જણાવ્યું હતું કે સાસણ અને ગીર વિસ્તારના વિકાસ તેમજ રોડ માટે રાજ્ય સરકારે પુરતુ ફંડ આપ્યું છે. ગીર મોન્સુન ફેસ્ટીવલથી પ્રવાસીઓ ગીર તરફ આકર્ષાશે. દેવળીયા પાર્કમાં પણ પ્રવાસીઓ લાભ લઈ શકશે.
પ્રવાસન નિગમના બોર્ડ ઓફ ડિરેકટર ઝવેરીભાઈ ઠકરારે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગુજરાતના જાણીતા અને હેરીટેજ શહેરોના વિકાસ માટે કટીબદ્ધ છે.
વન વિભાગના સીએફ એ.પી. સિંઘે કહ્યું હતું કે ગીર સિંહ તો છે જ પરંતુ અન્ય વન્ય જીવ સૃષ્ટિ પણ છે. ગીરમાં વૈવિધ્ય જોવા મળે છે. ગીરના માલધારીઓ પણ યાત્રિકોને આવકારે છે. પ્રવાસીઓ સાથે કોઈ અણબનાવ બનતા નથી તેમ જણાવી ગીર મોન્સુન ફેસ્ટીવલના આયોજનથી પ્રવાસીઓને વિશેષ સુવિધાઓ અને મનોરંજન મળશે તેમ કહ્યું હતું. સાસણ હોટલ એસોસીએશન વતી પ્યારૂભાઈએ ગીરમાં પર્યાવરણની જાળવણીમાં હોટલો દ્વારા પણ પ્રયાસ થાય છે તેમ જણાવી ગીરમાં સિંહ દર્શન માટે પરમીટ અંગે સુચનો કર્યા હતા.
સાસણ મોન્સુન ફેસ્ટીવલમાં મુંબઈથી પ્રવાસન વિભાગના પ્રયાસોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો જેમાં નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ પાઠક, બાઘો બનતા તન્મય વેકરીયા તેમજ સુંદર મામાનું પાત્ર ભજવતા મયુર વાકાણી અને અબ્દુલ અને બાવરીનું પાત્ર ભજવતા કલાકારો આવ્યા હતા.
આ પ્રસંગે મેયર આધ્યાશક્તિબેન મજમુદાર, ડીસીએફ પ્રદિપસિંઘ, રામરતન નાલા તેમજ અગ્રણી મહેન્દ્રભાઈ પીઠીયા, પ્રાંત અધિકારી મ્યાત્રા, પ્રવાસન નિગમના મેનેજર નીરવ મુન્શી અને આસપાસના ગામોના અગ્રણીઓ અને ગ્રામજનો તેમજ કર્મચારીઓ અને પ્રવાસીઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.