(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
પાંડેસરા વિસ્તારમાં વિધવા ભાભીને ગર્ભવતી બનાવ્યા બાદ ગર્ભ પડાવી નાંખવા મજબુર કરનાર પ્રેમી દિયર સહિત સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય સંગીતા (નામ બદલ્યું છે)ના દામ્પત્ય જીવનમાં સંતાનમાં એક છોકરો છે દરમિયાન તેના પતિનું જાન્યુઆરી મહિનામાં ટીબીની બિમારીના કારણે મુત્યુ થયું હતું. દરમિયાન ત્યારબાદ તેના દિયર જયપ્રકાશ તિવારીએ ભાભી સંગીતા પર દાનત બગાડી હતી અને તેણીને લગ્ન કરવાની લાલચ આપી ફેબ્રુઆરી મહિનાથી અવાર નવાર મરજી વિરૂધ્ધ શરીર સંબંધો બાંધી ગર્ભવતી બનાવી હતી. આ અંગે સંગીતાએ દિયર જયપ્રકાશને વાત કરતા આ એંગની વાત કોઈને કહીશ તો મારી નાંખવાની ધમકી આપી ઘરમાંથી ભાગી ગયો હતો. સંગીતાએ તેના સાસુ ભાનુબેન અને સસરા પ્રેમનાથ તિવારીને વાત કરતા તેઓએ પેટમાં રહેલ ગર્ભ પડાવી નાંખવા માટે કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે સંગીતાએ ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે દિયર જયપ્રકાશ તેમજ સાસુ સસરા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.