(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૮
ગુજરાતમાં દુષ્કર્મની ચકચારી ઘટના બાદ છેલ્લા સપ્તાહથી પરપ્રાંતિયો ઉપર હુમલાઓ શરૂ થઈ જતા હજારોની સંખ્યામાં ભયભીત બનેલા પરપ્રાંતિયો કામ-ધંધા છોડીને પોતાના વતન ભણી રવાના થવા માંડયા હોઈ ગુજરાત સરકારની હાલત કફોડી બની છે. જેને લઈને પોલીસ બંદોબસ્ત કડક બનાવવા સહિતના પગલાઓ લઈ સરકાર દ્વારા પરપ્રાંતિયોને સલામતી પુરી પાડવાની ખાતરી આપી વતન જતા રોકવામાં આવી રહ્યા છે અને ચાલ્યા ગયેલાઓને ફરી પરત ફરવા અપીલ કરાઈ રહી છે. પરપ્રાંતિયો મામલે દોડતી થયેલી સરકારના ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ, જાડેજાએ આજે પત્રકાર પરિષદ બોલાવી સરકારનો પક્ષ સ્પષ્ટ કરવા સાથે બધુ કોંગ્રેસ પર ઢોળી દેવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી રાજયમાં ઉત્તર ભારતના લોકો પર થઈ રહેલા હુમલા અંગે રાજયના ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, પરપ્રાંતિયો પર હુમલાની ઘટનામાં અત્યાર સુધી ૪૩૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દૂધમાં સાકારની જેમ ગુજરાતમાં ભળેલા લોકો પર થતા હુમલા નિંદનીય ઘટના છે. કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે કોઈના પણ રાજકીય બદઈરાદા સફળ નહીં થવા દઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે સરકારની સતર્કતાના કારણે ર૪ કલાકમાં મોટા ભાગના ગુનાઓને અટકાવી શકાય છે. પરપ્રાંતિયો પર હુમલા કરનારાને સખત સજાની પણ તેમણે વાત કરી હતી. અન્ય રાજયોના નાગરિકોને સધિયારો આપવો એ આપણી નૈતિક ફરજ છે. રાજય સરકાર શાંતિ સલામતી અને સુરક્ષા સામે અવરોધ પેદા કરનારા તત્વો સામે કડક હાથે પગલાં લેતા અચકાશે નહીં તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની શાંતિ સલામતી ડહોળવાના પ્રયાસોને રાજય સરકાર સાંખી લેશે નહીં. પ્રદીપસિંહે કહ્યું કે રાજયમાં રહેતા તમામ લોકો વર્ષોથી સુખ-શાંતિનો અનુભવ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ પણ આ અંગે દુખ વ્યકત કર્યું છે. જો કોઈ લોકો રાજયની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરશે તો તેની પર પગલાં ભરવામાં આવશે. ગૃહરાજય મંત્રીએ જણાવ્યું કે અત્યાર સુધી ૪૩૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં પ૬ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. દરેક જિલ્લાના વહીવટી અધિકારીઓને પોલીસ વડાએ જરૂરી સુચના આપી છે. કેટલાક લોકો ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે લોકો સોશિયલ મીડિયામાં અફવા ફેલાવીને વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમને છોડવામાં આવશે નહીં આવા લોકો વિરૂધ્ધ ગુનો નોંધીને સજા આપવામાં આવશે. ગૃહરાજયમંત્રીએ જણાવ્યું કે બહારના લોકો જયાં કામ કરે છે. અને રહે છે ત્યાં સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને તેમને સુરક્ષા આપવામાં આવી છે. આ માટે અધિકારીઓ સાથે મળીને એકશન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે સોશિયલ મીડિયામાં ભડકાઉ નિવેદનો, લખાણો, વીડિયો, વાઈરલ કરાય છે. ત્યારે સાઈબર ક્રાઈમ સેલ દ્વારા કડક કાર્યવાહી કરવા સાથે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં પર પ્રાંતિયોને પૂરતી
સુરક્ષા અપાશે : વિજય રૂપાણી

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૮
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પરપ્રાંતિયો પર હુમલા કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્ત્વોની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે. પરપ્રાંતિયોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે અને તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે. રાજકોટ ખાતે માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની પરંપરા રહી છે કે અન્ય પ્રાંતમાંથી આવતા લોકો, સમાજને તેણે પોતાના ગણી સ્વીકાર્યા છે. અહીં તમામ રાજ્યના લોકો શાંતિપૂર્વક અને એખલાસભર્યા માહોલમાં રહે છે. ગુજરાત અને ગુજરાતીઓની આ વિશેષતા છે કે તેમણે અન્ય રાજ્યના લોકોને પોતીકા ગણ્યા છે ત્યારે સૌ નાગરિક ભાઈઓ, બહેનોને મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે રાજ્યમાં સૌ કોઈ ભાઈચારા અને શાંતિનો માહોલ બનાવી રાખે.