(એજન્સી) હૈદરાબાદા, તા. ૬
તેલંગાણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે ગુરૂવારે એક મહત્વનો નિર્ણય લઇને રાજ્ય વિધાનસભાનું વિસર્જન કરવાની ભલામણ કરી હતી અને રાજ્યમાં વહેલા ચૂંટણી યોજવા માટેનો માર્ગ મોકળો કરી દીધો છે. તેલંગાણા કેબિનેટની ભલામણથી રાજ્યના રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હાએ વિધાનસભાનું વિસર્જન કર્યું છે. વિધાનસભાનું વિસર્જન કરવા માટે ચંદ્રશેખર રાવે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને વિધાનસભાનું વિસર્જન કરવાની ભલામણ કરતો કેબિનેટનો ઠરાવ રાજ્યપાલ સમક્ષ રજૂ કર્યો હતો. તેલંગાણા વિધાનસભા ભંગ કરવાના પ્રસ્તાવને રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હાએ મંજૂરી આપી, ચંદ્રશેખર રાવનું રાજીનામું મંજૂર કરી લેવાની સાથે જ રાજ્યપાલે ચંદ્રશેખર રાવને નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી રાજ્યની જવાબદારી સંભાળવાની કરેલી વિનંતી રાવે સ્વીકારી લીધી હતી. રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ કેસીઆરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને વિધાનસભા ચૂંટણી માટે ૧૦૫ ઉમેદવારોની એક યાદી પણ જાહેર કરી દીધી હતી ્‌હવે તેલંગાણાની ચૂંંટણી પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાવાની સંભાવના છે. જ્યારે બીજીબાજુ, તેલંગાણા કોંગ્રેસ અધ્યક્ષ એન ઉત્તમકુમાર રેડ્ડીએ કેસીઆરના નિર્ણયની નિંદા કરી છે. તેમણે કહ્યું કે કેસીઆરે વિધાનસભા ભંગ કરીને પોતાની કબર ખોદી છે. તેઓ મોદીના એજન્ટ છે. અમે ચૂંટણી માટે તૈયાર છીએ.
આ પહેલાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વિધાનસભા ભંગનો પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરાયો હતો. હાલની તેલંગાણા સરકારનો કાર્યકાળ ૨ જૂન ૨૦૧૯ સુધીનો હતો પરંતુ ’લોકપ્રિયતા’ના રથ પર સવાર સીએમ ચંદ્રશેખર રાવે સમયથી પહેલા ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે. કેબિનેટના નિર્ણય બાદ સીએમ ચંદ્રશેખરે રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હા સાથે મુલાકાત કરી અને તેમને કેબિનેટના નિર્ણયથી માહિતગાર કર્યા હતા. રાવ લોકસભા ચૂંટણીની સાથે રાજ્યની વિધાનસભા ચૂંટણીના પક્ષમાં નથી. તેઓ આ વર્ષના અંતમાં યોજાનારી ૪ રાજ્યા -રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીની સાથે જ તેલંગાણામાં ચૂંટણી કરાવવા ઈચ્છે છે. જ્યોતિષમાં બેહદ વિશ્વાસ ધરાવતા કે. ચંદ્રશેખરરાવ ૬ના અંકને ખૂબ જ શુભ માને છે તેથી તેમણે તેલંગાણા વિધાનસભા ભંગ કરવા માટે છ સપ્ટેમ્બરનો દિવસ પસંદ કર્યો હોવાનું માનવામાં આવે છે. તેલંગાણા વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે લોકસભાની ચૂંટણી સાથે થવાની હતી પરંતુ મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવ ઇચ્છે છે કે ચાલુ વર્ષના અંતે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટમીઓ સાથે જ તેલંગાણાની ચૂંટણીઓ પણ કરાવવામાં આવે.

રાહુલ ગાંધી દેશના ‘સૌથી મોટા વિદૂષક’ : કે ચંદ્રશેખર રાવ

તેલંગાણા વિધાનસભાનું વિસર્જન કરવાની ભલામણ કર્યાના કલાકો બાદ રાજ્યના કાર્યકારી મુખ્યપ્રધાન અને ટીઆરએસના વડા કે.ચંદ્રશેખર રાવે કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરીને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને દેશના ‘સૌથી મોટા વિદૂષક’ ગણાવ્યા છે અને ૨૦૧૯ની ચૂંટણીઓ માટે ભાજપ જેવા સાંપ્રદાયિક પક્ષ સાથે જોડાણ વિશેની અફવાઓ ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું કે ટીઆરએસ ૧૦૦ ટકા બિનસાંપ્રદાયિક પક્ષ હોવાથી અમે ભાજપ સાથે કેવી રીતે હાથ મિલાવી શકીએ ? રાવના આ કથનથી બધી અફવાઓનો અંત આવી ગયો છે. ચંદ્રશેખર રાવે ૧૦૫ મતવિસ્તારોના ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે. તેમણે એવું પણ કહ્યું કે બે વર્તમાન ઉમેદવારોને ટિકિટ અપાઇ નથી. કેસીઆરે કોંગ્રેસ પક્ષને તેલંગાણાનો ‘સૌથી મોટો દુશ્મન’ અને એક નંબરનો વિલન ગણાવ્યો છે. ટીઆરએસ સરકાર સામે પાયાવગરના, સમજવિનાના અને અર્થવગરના આક્ષેપો કરવા બદલ રાવે કોંગ્રેસની આકરી ટીકા કરી છે. હૈદરાબાદના સાંસદ અસાદુદ્દીન ઓવૈસીના એઆઇએમઆઇએમને ‘મિત્ર પાર્ટી’ ગણાવી છે અને જણાવ્યું કે ટીઆરએસ તેની સાથે કામ કરવાનું ચાલુ રાખશે. જોકે, તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે ટીઆરએસ વિધાનસભાની ચૂંટણીઓ એકલાહાથે લડશે અને રાજ્યની ૧૧૯માંથી ૧૦૦થી વધુ બેઠક પર વિજય હાંસલ કરશે. ૧૨૦ સભ્યોની વિધાનસભામાં એક નોમિનેટ સભ્ય છે.
એક પત્રકાર પરિષદમાં રાવે જણાવ્યું કે બધા જાણે છે કે રાહુલ ગાંધી શું છે… દેશમાં સૌથી મોટા વિદૂષક છે. સમગ્રે દેશે જોયું કે તેઓ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેવી રીતે ભેટ્યા હતા અને આંખ મારી હતી. તેલંગાણામાં વ્યાપક ચૂંટણી પ્રચાર કરવાની રાહુલ ગાંધીની યોજના વિશે પૂછવામાં આવતા ટીઆરએસ વડાએ જણાવ્યું કે રાહુલ ગાંધી વધુ વાર તેલંગાણામાં આવશે તો ચૂૂંટણીઓ જીતવાનું અમારા માટે વધુ સરળ થઇ જશે. કેસીઆરે જણાવ્યું કે ગાંધી વંશજને કોંગ્રેસના દિલ્હી સામ્રાજ્યનો વારસો મળ્યો છે. તેમણે તેલંગાણાના લોકોને દિલ્હીના ગુલામ નહીં બનવાની અપીલ કરી છે. તેલંગાણાના નિર્ણયો તેલંગાણામાં જ લેવા જોઇએ.