(એજન્સી) શારજાહ, તા.૧૪
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શારજાહના શાસક સુલતાન બિન મોહમ્મદ અલ કાસિમીની સાથે રવિવારે મુલાકાત કરી હતી અને સંબંધોને મજબૂત બનાવવાની વાત કરી હતી. સ્વદેશ રવાના થતા પહેલા તેમણે શારજાહના શાસકની સાથે બેઠક પણ કરી હતી. દુબઈ અને અબુધાબી માટે બે દિવસના સંયુક્ત અરબ અમીરાત પ્રવાસ દરમ્યાન રવિવારે રાહુલ ગાંધીએ દેશના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી અને ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તે ઉપરાંત તેમણે વ્યાપારિક નેતાઓ અને વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષે ટ્‌વીટરના માધ્યમથી જણાવ્યું કે શારજાહ શાસક સુલતાન બિન મોહમ્મદ અલ કાસિમી સાથે મળીને ખુશી થઈ. અમારા લોકોની વચ્ચે વિવિધ મુદ્દાઓ પર સૌહાર્દપૂર્ણ ચર્ચા થઈ. અમારા દેશોની વચ્ચે સંબંધોને મજબૂત બનાવવા માટે તેમની સાથે કામ કરવા ઈચ્છીશ. રાહુલે શુક્રવારે સંયુક્ત અરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રશિદ અલ મકતુમની સાથે મુલાકાત દરમ્યાન દુબઈના શાસકને આ વિશ્વાસ આપ્યો કે તે મજબૂત દ્વિપક્ષીય સંબંધ માટે પ્રતિબદ્ધ છે.
આ પહેલા તેમણે ભારતીય શ્રમિકોને સંબોધિત કર્યા અને વ્યાપારિક નેતાઓની સાથે વાતચીત કરી. રાહુલે ઈન્ડિયન બિજનેસ એન્ડ પ્રોફેશનલ કાઉન્સિલ તેમજ પંજાબી સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.