(એજન્સી) તા.૧૧
હિમાચલ પ્રદેશની ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સતપાલસિંહ સત્તી હંમેશા સીધી વાત કરવા અને વાસ્તવિક રાજનીતિ કરવા માટે જાણીતા છે. ઉના વિધાનસભા સીટ પર ર૦૧૭ની ચૂંટણીમાં પરાજયને સ્વીકારતાં સત્તીએ કહ્યું હતું કે આગામી ર૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ સામે એક મોટો પડકાર ઊભો થશે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં લગભગ ૪ સીટ જીતી હતી. એટલે કે અમે વધારે કંઈ કરી શક્યા ન હતા. જોકે આગામી ર૦૧૯ ચૂંટણીમાં આપણે એ પણ ગુમાવી શકીએ છીએ. હિમાચલ પ્રદેશમાં આ સીટો જાળવી રાખવી એ પણ ભાજપ માટે એક પડકાર બની શકે છે. તેમણે કહ્યું કે ભાજપ મોદી લહેરને કારણે જ હિમાચલ પ્રદેશમાં લોકસભાની ૪ સીટો જીતી શક્યો હતો. જોકે ત્યારે ભાજપ સત્તામાં નહીં પરંતુ વિપક્ષમાં હતો અને હવે કેન્દ્રમાં તથા રાજ્યમાં બંનેમાં ભાજપની જ સરકાર છે એટલા માટે ભાજપ સામે એક પડકાર એ જ રહેશે કે પોતાની શાખ બચાવવા માટે આકરી મહેનત કરે અને કામ કરી બતાવે, લોકોને વિકાસ કરી બતાવે. સત્તીએ કહ્યું હતું કે હું કહી શકું છું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી લોકસભા ચૂંટણીની ભરપૂર તૈયારીઓ કરી રહ્યાં છે અને તેઓ નાની નાની વાતો અને મુદ્દાઓને ઉકેલવાની સાથે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આપણે સૌએ પણ તેમનાથી કંઈક શીખવાની જરુર છે. ભાજપના હિમાચલના અધ્યક્ષ સત્તીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ અને તેમના મંત્રીઓને પણ સ્પષ્ટ કહી દીધું છે કે હવે તેઓ તેમના મતક્ષેત્રોમાં ઘેર ઘેર ફરવાનું શરુ કરી દે અને લોકો સાથે સંપર્ક બનાવે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે જાતે ફોલોઅપ લઇ રહ્યાં છે. સત્તી જેમને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી જયરામ ઠાકુર હિમાચલ પ્રદેશના નાગરિકો સાથે સારો એવો સંપર્ક ધરાવે છે.