(એજન્સી) મુંબઇ, તા.૬
ભાજપના અધ્યક્ષ અમિત શાહ જે દિવસે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચવાના હતા તે જ દિવસે શિવસેનાએ ભાજપના સંપર્ક અભિયાન પર કટાક્ષ કર્યો હતો અને સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ ૨૦૧૯ની ચૂંટણી એકલે હાથે જ લડશે. પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં શિવસેનાએ કહ્યું હતું કે, પીએમ મોદી તેમના સંપર્ક અભિયાન અંતર્ગત સમગ્ર દુનિયાનો પ્રવાસ કરી રહ્યા છે જ્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ ભારતનો પ્રવાસ કરી રહ્યા છે. અમિત શાહ એનડીએના સાથી પક્ષોને મળી રહ્યા છે. પરંતુ ખરેખર તેઓ શું કરી રહ્યા છે ? ભાજપની પેટાચૂંટણીઓમાં હાર બાદ હવે તેઓ શા માટે બેઠકો કરી રહ્યા છે તે સવાલ છે. ૨૦૧૯ની ચૂંટણી શિવસેના એકલે હાથે લડશે. પાલઘર પેટાચૂંટણીના પરિણામોએ શિવસેનાની શક્તિ દેખાડી દીધી છે.
સામનામાં વધુમાં જણાવાયું હતું કે, ભાજપનાઅધ્યક્ષની મુલાકાતો પાછળનું કારણ ૨૦૧૯ની ચૂંટણીઓ હોઇ શકે છે. પરંતુ સત્તાધારી પક્ષે લોકોનો સંપર્ક ગુમાવ્યો છે અને તે તેના પાછળના કારણો શોધી રહી છે. શિવસેના હંમેશા લોકોના સંપર્કમાં અને સમર્થનમાં રહે છે અને તેણે ચૂંટણીઓ લડવા તથા જીતવા માટે પોસ્ટર બોયની જરૂર નથી. સેનાએ વધુમા કહ્યું કે, પાલઘર પેટાચૂંટણી દરમિયાન ઘણા સ્થળોએ મોદી અને શાહ ભાજપના પોસ્ટરોમાંથી ગાયબ હતા અને પરિવારના વિરોધ છતાં ભાજપના દિવંગત સાંસદ ચિંતમન વાંગાના ફોટાનો ઉપયોગ કરાયો હતો. પાલઘર પેટાચૂંટણીમાં જીત બાદ ભાજપના પોસ્ટરોમાંથી વાંગાનો ફોટો ગાયબ થઇ ગયો અને મોદી તથા શાહ પોસ્ટરોમાં પરત ફર્યા હતા. આ એક વેપારી ગણતરી છે જેમાં સંપર્ક જાળવી રાખવા અને તોડવા માટેનું નક્કી હોય છે. વધુમાં તંત્રીલેખમાં કહેવાયું કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તો શું શાહના સંપર્ક અભિયાનમાં નાયડુનો પણ સમાવેશ કરાયો છે ? જો નાયડુ સંપર્કની યાદીમાં ન હોય તો સંપર્ક માટે જગનમોહન રેડ્ડી તૈયાર હશે.
ખરેખર મોટું સંપર્ક કૌભાંડ તો બિહારમાં ચાલી રહ્યું છે જ્યાં ભાજપ અને જેડીયુનો હનીમૂનનો સમયગાળો સમાપ્ત થવાના આરે છે. આ કટાક્ષમાં જેડીયુના નેતા કેસી ત્યાગીના નિવેદનને યાદ કરતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ તેમણે કહ્યું હતું કે, ભાજપ પોતાના સાથી પક્ષોનુંં ધ્યાન રાખતું નથી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર નોટબંધીના ફાયદા અંગે સવાલ કરી રહ્યા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સરકાર બદલાવાના પવનો ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર પણ સરકાર બદલાવાની દિશામાં આગળ વધી રહ્યું છે. શિવસેનાના મુખપત્રમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલની સર્વોચ્ચ કિંમતોને પગલે ફુગાવો વધી રહ્યો છે અને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જ્યારે હવે સરકારે લોકોને સંપર્ક ગુમાવી દીધો છે ત્યારે આંદોલન તોડવાના પ્રયાસો કરી રહી છે. જે રીતે તેણે બધી જ શક્તિઓનો ઉપયોગ કરીને પાલઘરની ચૂંટણી જીતે તે જ રીતે ખેડૂતોના આંદોલનને પણ તોડવાના પ્રયાસ કરે છે. આ જ દિશામાં મોદી વિદેશના પ્રવાસો કરી રહ્યા છે અને શાહ દેશનો પ્રવાસ કરી રહ્યા છે અને તેમની સંપર્કની કળા બિરદાવવા લાયક છે.