(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩૦
શપથવિધિ સમારોહ અગાઉ કાર્યક્રમની તૈયારી કરતા મજુરનું પટકાવાથી થયેલું મોત અને શપથવિધિ સમારોહ બાદ વડાપ્રધાનને એરપોર્ટ મુકી પરત ફરી રહેલા મુખ્યમંત્રીના કાફલાની કારને નડેલા અકસ્માતથી ભાજપ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો. મંત્રીઓને શપથવિધિ બાદ જેવી ખાતાઓની વહેંચણી કરાઈ કે તુરંત જ ધારાસભ્યોમાં ખાસ કરીને નાયબ મુખ્યમંત્રીમાં અંદરખાને ભુભકતો રોષનો જવાળામુખી ફાટયો હતો જે હજી સુધી શાંત થવાનું નામ લેતો નથી.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું છે કે ભાજપની નીતિ યુઝ એન્ડ થ્રો.ની રહી છે. અગાઉ અનેક વરિષ્ઠ આગેવાનોને ભાજપે અપમાનજનક હાલતમાં તરછોડી દીધા છે. આ આગેવાનોનું લિસ્ટ ખુબ લાંબુ છે પરંતુ પાટીદાર આગેવાનોની વાત કરવામાં અડધો ડઝનથી વધુ નેતાઓના નામ ગણાવી શકાય મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે ચાલતી આંતરિક ખેંચતાણ બાદ અન્યાય થયેલા પાટીદાર નેતાઓમાં બધુ એક નામ નીતિન પટેલનું ઉમેરાયું છે.
ભાજપે સત્તા મેળવવા પાટીદાર સમાજના ધન અને મતનો ઉપયોગ કર્યો, પરંતુ સત્તા મળ્યા બાદ પાટીદાર સમાજને અન્યાય અને અપમાન કરવામાં આવી રહ્યું છે આ અગાઉ કેશુભાઈ પટેલ, એ.કે. પટેલ, શિવલાલ વેકરિયા, વલ્લભ કથિરિયા, નરોત્તમ પટેલ, આનંદીબહેન પટેલ અને હવે ભાજપના માર્ગદર્શક મંડળમાં નીતિન પટેલનું વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે.