(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૧૮
સુરેન્દ્રનગર શહેરના ટાવર પાછળના વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદે કબજો કરી લેતા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે અને ડી.એસ.પી. કચેરી ખાતે ભોગ બનનાર પરિવારજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને માથાભારે શખ્સો દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
રજૂઆતમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગ ડો.ચંદુભાઈ શેરી નં.ર ટાવર ચોક પાસે આવેલ મકાનમાં રોસનબેન યાકુબભાઈ ભઠ્ઠી રહેતા હતા. તેમજ આજથી ૭ માસ અગાઉ રોસનબેનની દીકરી આશિયાના (ઉ.વ.૧૦)ને એજ શેરીમાં રહેતા મહેબુબભાઈ ઈસામાભાઈ માણેકે છેડતી કરી હતી. તે બાબતની સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ છે પરંતુ આ બાબતની કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આ બનાવમાં કથિત માથાભારે ઈસમો એવા આરોપી આશિષ હબીબભાઈ માણેક, રાજા હબીબ, રમજાન હબીબ સહિતના સામે કોઈ કાર્યવાહી કરેલ નથી. જેથી રોસનબેનને તેમના પરિવારજનોને જાનનું જોખમ થતા તેઓ મોરબીના વિરછીપરા ફાટક, મદીના સોસાયટીમાં રહેવા જતા રહ્યા હતા ત્યારબાદ માથાભારે શખ્સોએ રોસનબેનના સુરેન્દ્રનગરના મકાનનો ગેરકાયદેસર કબજો લીધેલ છે અને મકાનમાં મુકેલ ઘરવખરી અને ૧૩ બકરીને બારોબાર વેચી દીધેલ છે અને ઘરમાં ગેરકાયદેસર કબજો કરી દારૂ વેચવાનો ધંધો કરે છે. આ અંગેની ફરિયાદ સિટી પોલીસમાં તેમજ ડી.જી.પોલીસ ગાંધીનગરમાં કરેલ છે. પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. અંગે ઉલ્લેખનીય છે કે રોસનબેનના પરિવારમાં ૧૦ દીકરીઓ છે. તેમનું ભણતર ખરાબ થતું હોય છેલ્લા ૬, ૭ માસથી આ લોકોના ડરના કારણે હીજરત કરેલ છે અને પરિવારજનોને કોઈ પણ જાનહાની થશે. તો આત્મવિલોપન કરવાની ફરજ પડશે. આ માથાભારે શખ્સો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને પોલીસ રક્ષણ નહીં અપાય ત્યાં સુધી રોસનબેન યાકુબભાઈ ભઠ્ઠી સહિત પરિવારજનોએ કલેક્ટર કચેરી કંમ્પાઉન્ડમાં રહેવાનું જણાવ્યું હતું.