(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે રાજીનામું આપ્યા બાદ ભાજપ સાથે હાથ મિલાવવાનો નિર્ણય કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે તેમના પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, નિતિશ કુમાર પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે. નિતિશે સહુને દગો આપ્યો છે. આ બધું છેલ્લા ૩-૪ મહિનાથી ચાલી રહ્યું હતું અને મને બધી જ ખબર હતી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, નિતિશનો આરોપ ખોટો છે, તેઓ પહેલેથી જ ભાજપાની સાથે હાથ મિલાવવા ઈચ્છતા હતા. તેમણે આ બધું સત્તા માટે કર્યું છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે સાંજે ધારાસભ્યોની એક બેઠક બાદ નિતિશ કુમારે કોંગ્રેસ અને આર.જે.ડી.ની સાથે ગઠબંધનને તોડવાનો નિર્ણય લેતા સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આને કારણે બિહારના રાજકારણની સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ છે, તેમના ધારાસભ્ય અનવર અલીએ પણ તેમના આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને શરદ યાદવ પણ આ નિર્ણયથી ખુશ નથી. નિતિશકુમારે આજે ૧૦ કલાકે મુખ્યમંત્રી રૂપે શપથ લીધા છે, જ્યારે એન.ડી.એ.ના નેતા સુશીલ કુમાર મોદીએ ઉપમુખ્યમંત્રીના શપથ લીધા છે. નિતિશનો માર્ગ હજી સરળ નથી, તેમની સામે એક મજબૂત વિપક્ષ પણ છે, જેને તેઓ નજરઅંદાજ નહીં કરી શકે, તેમને જનતાને પણ જવાબ આપવાનો છે, જેમણે તેમના સંઘ મુક્ત ભારતની વિચારસરણી પર મતદાન કર્યું હતું.