(એજન્સી) જમ્મુ, તા.ર૦
એક પખવાડિયા પછી વકીલોએ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ અને નીચલી કોર્ટોમાં કામગીરી શરૂ કરી હતી પણ દસ્તાવેજોની નોંધણીના મુદ્દે હજી વિરોધો કરી રહ્યા છે. હવે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયું છે જેથી નોંધણીની જોગવાઈઓનો અમલ પણ એ મુજબ થશે. આ પહેલાં દસ્તાવેજોની નોંધણી ન્યાયિક અધિકારી કરતા હતા પણ હવે કેન્દ્રના નિયમો મુજબ આ કામગીરી મહેસૂલ વિભાગના સબ-રજિસ્ટ્રારોને આપવામાં આવી છે. જે બાબત વકીલો વિરોધો કરી રહ્યા છે. આ વિરોધ જમ્મુ સાથે અન્ય સ્થળોએ પણ થયા હતા. સાંબા બાર એસોસિએશને જણાવ્યું કે, અમે પણ હડતાળ ઉપર છીએ. જો કેન્દ્ર શાસિત પ્રદેશ થવાથી આ પ્રકારનો લાભ થશે તો અમને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો સ્વીકાર્ય નથી. નોંધણી પ્રક્રિયા મહેસૂલ વિભાગને તબદીલ કરવાનો જાહેરનામુ ર૩મી ઓક્ટોબરે બહાર પડાયું હતું. દસ્તાવેજો ઉપરાંત સ્થાવર મિલકતોની નોંધણી પણ આ કચેરીએ કરવામાં આવશે. આ પહેલાં ન્યાયિક અધિકારીઓ આ કામગીરી કરતા હતા અને મહેસૂલ અધિકારીઓ ફકત એમાં નાના આનુષંગિક કાર્યો કરતા હતા. હવેથી જમીન લેવાથી નોંધણી સુધીની બધી કામગીરી એક જ સ્થળે થશે. ઉપરાંત મહેસૂલ અધિકારીઓ તહેસીલ વડામથકે હાજર રહેશે જેથી ન્યાયિક અધિકારીઓને મળવા દૂર સુધી જવું નહીં પડે. ઘણા બધા વકીલો ખાસ કરીને નવા વકીલો માટે દસ્તાવેજોની નોંધણીની કામગીરી સારી આવક કરી આપતી હોય છે. જમ્મુ પ્રાંતમાં જ રોજના હજારો દસ્તાવેજોની નોંધણી થાય છે. આ પહેલાં પણ જમ્મુ-કાશ્મીર રાજ્યની સરકારોએ આ માટે પ્રયાસ કર્યો હતો પણ વકીલોએ કાયમ વિરોધો કરી અટકાવ્યા હતા.