અમદાવાદ, તા. ર૦
અમદાવાદના ચકચારી સેટેલાઈટ રેપ કેસમાં પીડિતા દ્વારા અમદાવાદ પોલીસ ઉપર કરવામાં આવેલા આક્ષેપો બાદ હવે આ કેસના કથિત આરોપીઓ દ્વારા સામે ચાલી કરાવવામાં આવેલા નાર્કો ટેસ્ટમાં તમામને ક્લિનચીટ મળી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે બીજી તરફ પીડિતાએ પોતાની ઉપર ગેંગરેપ થયો હોવાની ફરિયાદ કરી હતી એને સમર્થન આપતા એક પણ પુરાવા ક્રાઈમ બ્રાન્ચને મળ્યા નથી. સૂત્રોના અનુસાર આ મામલે હવે ક્રાઈમ બ્રાન્ચ કોર્ટ સામે સમરી રિપોર્ટ ફાઇલ કરશે.
ઇસનપુર વિસ્તારમાં રહેતી પીડિતાએ પોતાની ઉપર અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ચાલુ કારમાં સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ અમદાવાદ પોલીસને આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પીડિતાના નિવેદનમાં અનેક વિસંગતતાઓ મળી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર જે.કે. ભટ્ટ દ્વારા પીડિતાની પૂછપરછ કરવામાં આવતા પીડિતાએ એમની ઉપર આરોપીઓને મદદ કરી રહ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ મામલે પીડિતાના પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન પણ કરવામાં આવી હતી. જો કે સ્પેશિયલ કમિશનર જે. કે. ભટ્ટ સામે ચાલી આ કેસમાંથી હટી ગયા હતા.પીડિતાએ આ કેસમાં જેમનો કથિત આરોપી તરીકે ઉલ્લેખ કર્યો હતો તેવા ગૌરવ દાલમિયા, વૃષભ મારૂ અને યામિની નાયરે ક્રાઈમ બ્રાન્ચને પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેમણે સામે ચાલી પોતાના લાઇ-ડિટેક્શન અને નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી પણ બતાવી હતી. અમદાવાદ પોલીસે કથિત ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કોર્ટના આદેશ પ્રમાણે ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં નાર્કો સહિતના વિવિધ ફોરેન્સિક ટેસ્ટ કરાવ્યા હતા. સૂત્રોની જાણકારી પ્રમાણે આ કેસ માટે ખાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરો અને મનોચિકિત્સકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારની પ્રશ્નોત્તરી અને નાર્કો ટેસ્ટમાં આરોપીઓને પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબમાં આરોપીઓ ક્યાંય કશું ખોટું બોલી રહ્યા હોય તેવું ફલિત થયું ન હતું. આમ પીડિતાએ પોતાના ત્રણ યુવાન મિત્રો સામે કરેલી દુષ્કર્મની ફરિયાદને સમર્થન આપે તેની એક પણ બાબત નાર્કો ટેસ્ટમાં સામે આવી ન હતી.આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મેડિકલ રિપોર્ટ અને ઝ્રઝ્ર્ફ કેમેરાના ફૂટેજમાં પીડિતાનું અપહરણ અને દુષ્કર્મ થયું હોવાનું સ્પષ્ટ થયું નથી. કેસ હાઇપ્રોફાઈલ હોવાને કારણે આ મામલે સત્તાવાર રીતે અધિકારીઓ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ કંઈ જ કહેવા તૈયાર નથી, પરંતુ પીડિતાએ કરેલી ફરિયાદમાં જેમને આરોપીઓ દર્શાવવામાં આવ્યા છે તે તમામ નિર્દોષ હોવાનું પોલીસ દ્વારા કોર્ટને જણાવવામાં આવશે એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સેટેલાઈટ ગેંગરેપ : નાર્કો ટેસ્ટમાં આરોપીઓને ક્લિનચીટ મળ્યાની શક્યતા

Recent Comments