(એજન્સી) કોલકાતા, તા. ૪
શારદા ચીટફંડ કૌભાંડમાં સંડોવણી મામલે કોલકાતા પોલીસ પ્રમુખની પુછપરછ કરવાના સીબીઆઇના પ્રયાસ મુદ્દે ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે કહ્યું કે, જ્યાં સુધી દેશ અને તેનું બંધારણ બચશે નહીં ત્યાં સુધી તેઓ સત્યાગ્રહ ચાલુ રાખશે. કેટલાક સિનિયર મંત્રીઓ અને નેતાઓ સાથે તેઓ આખી રાત ખાધા પીધા વિના મંચ પર જાગતા રહ્યા હતા. ધરણા સ્થળ પર મમતા સાથે હાજર રહેલા પત્રકારોને બેનરજીએ કહ્યું કે, આ સત્યાગ્રહ છે અને જ્યાં સુધી દેશ નહીં બચે ત્યાં સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, તેઓને રાજકીય નેતાઓના ફોન આવે છે જેમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો સમાવેશ થાય છે.
મમતાને પુછાયું કે, કોઇ નેતા તેમને મળવા શહેરમાં આવશે ત્યારે તેમણે કહ્યું કે, આની મને ખબર નથી. જો કોઇ અહીં આવવા માગે તો તેમનું સ્વાગત કરાશે. આ લડાઇ મારી પાર્ટીની નથી પણ મારી સરકારની છે. પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ પાર્ટીના નેતાઓએ મમતા બેનરજીના સમર્થનમાં રેલીઓ કાઢી હતી. એક દેખાવકારે કહ્યું કે, અમે અમારા પ્રિય દીદીના સમર્થનમાં અહીં આવ્યા છીએ. રવિવારે એક અકલ્પનીય ઘટના બની હતી જેમાં ચીટફંડ કૌભાંડની સંડોવણીમાં કોલકાતા પોલીસના કમિશનર રાજીવ કુમારની પુછપરછ કરવાના સીબીઆઇના પ્રયાસના વિરોધમાં મમતા બેનરજી ધરણા પર બેસી ગયા હતા. શહેરના લોઉડન વિસ્તારમાં આવેલા કમિશનરના ઘરે પહોંચેલી સીબીઆઇ ટીમને પુછપરછ કરવાની પરવાનગી અપાઇ નહીં અને અધિકારીઓને જ પકડીને જીપમાં બેસાડી દેવાયા હતા અને પોલીસ સ્ટશન લઇ જવાયા હતા. કૌભાંડમાં એસઆઇટીની આગેવાની કરી રહેલા કુમારની ગુમ થયેલા દસ્તાવેજો અને ફાઇલો અંગે સીબીઆઇ પુછપરછ કરવા માગતી હતી. કેટલાક રાષ્ટ્રીય નેતાઓ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ મમતા બેનરજીના સમર્થનમાં આવ્યા છે. રાહુલ ગાંધીએ મમતા બેનરજીને ફોન કર્યો હતો અને તેમને પોતાનું સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, સમગ્ર વિપક્ષ સંગઠિત છે અને ફાસીવાદી તાકતોને હરાવશે.