(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
કેન્દ્રીય મંત્રી સત્યપાલસિંહે જણાવ્યું હતું કે, તેઓ એક એવા ભારતનું સ્વપ્ન જુએ છે જ્યાં રાષ્ટ્રપતિ વેદોના આધારે શપથગ્રહણ કરે. અમેરિકામાં રાષ્ટ્રપતિ બાઈબલ પર હાથ મૂકી શપથ લે છે.
રાજ્યકક્ષાના માનવ સંસાધન વિકાસમંત્રી સિંહે આર્ય સમાજના ચાર દિવસીય વૈશ્વિક સંમેલનનું ઉદ્‌ઘાટન કરતાં ઉક્ત ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે જોયું છે કે, અમેરિકાના પ્રમુખ બાઈબલ પર હાથ મૂકી હોદ્દાના શપથગ્રહણ કરે છે ત્યારે હું એક એવા ભારતનું સ્વપ્ન જોઉં છું જ્યાં રાષ્ટ્રપતિ હિન્દુ શાસ્ત્રોને આધારે શપથગ્રહણ કરે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, દેશમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો નિકાલ ‘રિશી જ્ઞાન’માં છે. ભારતે પોતાની પ્રતિષ્ઠા ફરી સ્થાપિત કરવા વેદોનો આશરો લેવો જોઈએ.
આ પ્રસંગે હાજર રહેલા હિમાચલપ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતે જણાવ્યું હતું કે, આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ મહિલાઓના અધિકાર માટે અભિયાન ચલાવ્યું હતું. સૌપ્રથમ વખત સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવાનો સંદેશ સ્વામી દયાનંદ સરસ્વતીએ જ આપ્યો હતો.