(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
સત્ય શોધક ટીમે દાવો કર્યો છે કે, ૫મી ઓગસ્ટથી કાશ્મીરમાં સલામતી દળો દ્વારા ૧૩,૦૦૦ યુવા છોકરાઓને ઉઠાવી લેવાયા છે. સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વૂમન અને મુસ્લિમ વૂમન્સ ફોરમની મહિલાઓએ સત્ય શોધક રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આ તાળાબંધી દરમિયાન એક અંદાજ અનુસાર આશરે ૧૩,૦૦૦ યુવકોને સલામતી દળો દ્વારા ઉઠાવી લેવાયા છે. કાશ્મીરની મુલાકાત લેનાર સત્યશોધક ટીમના નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વૂમન મહિલા સભ્યોમાં એની રાજા, કવલજીત કૌર અને પંખુડી ઝહીર જ્યારે પ્રગતિશીલ મહિલા સંગઠન અને મુસ્લિમ વૂમન્સ ફોરમના સૈયદા હમીદનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિમંડળ ૧૭મી સપ્ટેમ્બરે કાશ્મીરની મુલાકાતે ગયું હતું અને ૨૧મી સપ્ટેમ્બરે પરત ફર્યું હતું.
રિપોર્ટમાં જણાવાયું હતું કે, કાશ્મીરની મુલાકાત લેવાનો તેમનો હેતુ એટલો જ હતો કે, આશરે ૪૩ દિવસની તાળાબંધી બાદ લોકો પર શું અસર પડી છે, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની શું સ્થિતિ છે. સેના અને અર્ધલશ્કરી દળોને તાત્કાલિક અસરથી હટાવી લેવાની માગણી કરતા રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘‘આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એને ફરી બહાલ કરવામાં આવે. જમ્મુ-કાશ્મીરના લોકો સાથે ચર્ચા વિચારણાની પ્રક્રિા પુરી કરવી જ જોઇએ અને જમ્મુ-કાશ્મીરનારાજકીય ભવિષ્ય અંગેના નિર્ણયનું ભાવિ પણ તેમના પર છોડવું જોઇએ.’’ એની રાજાએ આરોપ લગાવ્યો હતો કે, સેના અને સલામતી દળો દ્વારા ક્રૂર વર્તન કરાય છે અને સેના કોઇપણ રીતે પવિત્ર ગાય જળવાઇ રહેવાની નથી. કર્મશીલોએ ભારતીય સલામતી દળો દ્વારા આચરાતી ક્રૂરતાની ઘટનાઓમાં લાબા ગાળાની તપાસની માગ કરી હતી.
સીપીઆઇના નેતા ડી રાજાના પત્ની એની રાજાએ કહ્યું કે, ‘‘અમે હોસ્પિટલો, શાળાઓ, ઘરો, બજારોના સ્થળો પર ગયા અને લોકો સાથે વાત કરી એટલું જ નહીં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગયા તથા પુરૂષો, મહિલાઓ, યુવાનો અને બાળકો સાથે વાત કરી હતી. આ રિપોર્ટ ૪૩ દિવસ સુધી લોખંડના સળિયા પાછળ રહેનારા સામાન્ય લોકો પર ગુજરેલા અસામાન્ય અત્યાચારનો સાક્ષી છે.’’ રિપોર્ટમાં કહેવાયું છે કે, રાતે ૮ વાગ્યા પછી ભણવા મો ઘરની લાઇટ ચાલુ રાખવા બદલ યુવા છોકરીના પરિવારને ધમકાવવામાં આવ્યો તથા બાદમાં તેના માતા-પિતાની ધરપકડ કરીને લઇ ગયા તથા તેને ડોર માર મારવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે, પરિવારોને રાતે ૮ વાગ્યા પછી ઘરની લાઇટો ચાલુ રાખવા પર પાબંદી લગાવાઇ છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું કે છોકરીઓ જો રાજ્યમાં સ્થિતિ સામાન્ય બને તો તેઓ શાળામાં જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે તેમણે જાણીજોઇને તેમના રિપોર્ટમાં લોકોના નામ બદલી નાખ્યા છે કારણ કે તેમને બાદમાં સલામતી દળો દ્વારા હેરાન કરવામાં આવે છે. ભારત સરકારે ૫મી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ને રદ કરીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દીધું હતું. ત્યારબાદથી કાશ્મીર ખીણ દુનિયાના સંપર્કમાંથી અલગ થઇ ગઇ છે અને લોકોને ઇન્ટરનેટ કે મોબાઇલ ફોન વાપરવાની પણ પરવાનગી આપવામાં આવતી નથી.