નવી દિલ્હી,તા. ૩૦
કેન્દ્રિય તપાસ સંસ્થા (સીબીઆઇ)એ પીડબલ્યુડીમાં સલાહકારોની નિમણૂંકના સંબંધમાં દિલ્હીના પ્રધાન સત્યેન્દ્ર જૈનના આવાસ પર આજે સવારે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેથી તેમના સમર્થકોમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ હતુ. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈને ટ્‌વીટ કરીને કહ્યુ છે કે પીડબલ્યુડીની તરફથી ક્રિએટિવ ટીમની ભરતી માટે સીબીઆઇ ટીમે તેમના આવાસ પર દરોડા પાડ્યા છે. તેમના કહેવા મુજબ તમામ પ્રોફેશનલોને સીબીઆઇના અધિકારીઓના દબાણ હેઠળ કામ છોડી દેવાની ફરજ પડી હતી. સીબીઆઇ અધિકારીઓએ કહ્યુ હતુ કે પીડબલ્યુડીમાં આર્કિટેક્સની ભરતી માટે કથિત રીતે નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના કહેવા મુજબ સત્યેન્દ્ર જૈન ઉપરાંત પીડબલ્યુડીના અધિકારીઓના આવાસ,અન્ય વ્યક્તિ સહિત પાંચ અન્ય લોકેશન પર દરોડા પાડવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈન પર પહેલાથી જ મન લોન્ડરિંગનો મામલો ચાલી રહ્યો છે. અધિકારીઓના કહેવા મુજબ સીબીઆઇની ટીમે પીડબલ્યુડીની ટીમ માટે ૨૪ આર્કિટેક્ટસની ટીમ નીમી છે. આ મામલે અનિયમિતતા સપાટી પર આવ્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. એવો આરોપ મુકવામાં આવ્યો છે કે પહેલાના અનુભવ વગર તેમની નિમણૂંક કરવામાં આવી છે. દિલ્હી સરકારના પ્રધાનો હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કારણ કે કેટલાક પ્રધાનો સામે ગેરરિતીની ફરિયાદ વારંવાર થઇ રહી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર જુદા જુદા વિવાદોમાં હંમેશા રહી છે. હવે સત્યેન્દ્ર જૈન ફરી એકવાર સપાટી ઉપર આવ્યા છે. તેમની સામે પહેલાથી જ મની લોન્ડરિંગનો એક મામલો છે.