(એજન્સી) સંયુક્ત રાષ્ટ્રસંઘ, તા. ૪
બળાત્કારના ગુનામાં ૨૦ વર્ષની જેલની સજા કાપી રહેલા ડેરા ચીફ રામ રહીમને સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્લ્ડ શૌચાલય દિવસના અવસરે પ્રવચન આપવાનું નિમંત્રણ પાઠવ્યું છે. યુએન વતી હનીપ્રીતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ શૌચાલય દિવસ ૧૯ નવેમ્બરના રોજ મનાવવામા આવે છે. ઉલ્લેખનીય છે કે હનીપ્રીતને મંગળવારે જ પોલીસ ધરપકડ કરી છે. સંયુક્ત રાષ્ટ્રના ચૌખ્ખા પાણી અને શૌચાલય માટે કામ કરનાર એક સંગઠને બુધવારે ટ્‌વીટ કરીને કહ્યું કે ડિયર, હનીપ્રીત અને ગુરમીત રામ રહીમ અમને આશા છે કે તમે વિશ્વ શૌચાલય દિવસ પર તમારા વિચારો રજૂ કરશો. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા કરવામાં આવેલા આ ટ્‌વીટ હેરાનીભર્યા છે. ૩૮ દિવસથી ફરાર હનીપ્રિત અચાનક જ મંગળળારે ટીવી ચેનલોમાં ઈન્ટરવ્યૂ આપતી જોઈ શકાતી હતી. મીડિયા સાથેની વાતચીતમાં હનીપ્રિતે પોતાની જાત અને પાપા ગુરમીત રામ રહીમને નિર્દોષ ગણાવ્યાં. ઘણી ન્યૂઝ ચેનલોમાં હનીપ્રીત મંગળવાર સવારથી દેખાવા લાગી હતી ત્યાર બાદ હરિયાણા પોલીસે તેની ધરપકડ કરી.સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા દ્વારા રામ રહીમ અને હનીપ્રીતને આવું આમંત્રણ પાઠવવામા આવતાં સોશીયલ મીડિયા પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બળાત્કારી રામ રહીમ અને તેની કથિત સેક્સ પાર્ટનર હનીને પ્રવચનનું નિમંત્રણ આપનાર યુએન સંસ્થાની સોશીયલ મીડિયા પર ટીકાનો વરસાદ વરસ્યો છે. લોકોએ સોશીયલ મીડિયા પર આ અંગે ભારે ગુસ્સો વ્યક્ત કરીને નારાજગી વ્યક્ત કરી હતી. લોકોએ એવા સવાલ ઉઠાવ્યો કે બળાત્કારી બાબા અને તેની કહેવાતી પુત્રીને શા માટે આવા કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું. વિવાદ થતા યુએન સંસ્થા દ્વારા કરવામાં આવેલું ટ્‌વીટને ડિલિટ કરી નાખવામાં આવ્યું છે. અગાઉના ટ્‌વીટમાં રામ રહીમ અને હનીનો સહયોગ માંગવાની વાત કરવામાં આવી.