(એજન્સી) રિયાધ, તા. ૨૩
સઉદી અરબ એરલાઇન્સની એરબેસ એ-૩૩૦ જેટને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ જિદ્દાહ શહેર નજીક રાતા સમુદ્ર નજીક પડી હતી. સઉદીનું આ વિમાન ૧૫૦ પ્રવાસીઓ સાથે પવિત્ર શહેર મદિનાથી ઢાકા જઇ રહ્યું હતું પણ સોમવારે સાંજે હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાતા તેને ફરીવાર જિદ્દાહ ડાયવર્ટ કરાયો હતો તેમ વિમાની તપાસ એજન્સીએ જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર ફેલાયેલા પોસ્ટ અનુસાર વિમાન રનવેથી ઉતરી ગયું હતું અને તેની પાછળના ભાગમાં આગની ચિનગારીઓ થઇ રહી હતી. પ્રવાસીઓને ઇમરજન્સી સેવાઓના કર્મીઓએ બચાવી લીધા હતા જેમાંથી ઘણાને સામાન્ય ઇજાઓ થઇ હતી તેમ વિમાની તપાસ સંસ્થાએ જણાવ્યું હતું. આમાંથી ૫૨ પ્રવાસીઓને સામાન્ય ઇજાઓ થઇ હતી જ્યારે એક મહિલા પ્રવાસીના પગમાં ફ્રેકચર થઇ ગયું હતું જેની સારવાર ચાલુ હોવાનું જણાવાયું હતું. વિમાની તપાસ એજન્સીએ આ અંગે તપાસ શરૂ કરી છે. સઉદી મીડિયાએ એમ પણ જણાવ્યું હતું કે, વિમાનનું લેન્ડિંગ ગિયર ફેઇલ થઇ જતા કેટલાક કલાકો સુધી વિમાન જિદ્દાહ શહેરના ચક્કર લગાવી રહ્યું હતું. જાન્યુઆરી ૨૦૧૪માં પણ આ જ પ્રકારની ઘટના સર્જાઇ હતી જેમાં સઉદી અરબ એરલાઈન્સના વિમાને મદીનામાં ઇમરજન્સી લેન્ડિંગ કરી હતી જેમાં ૨૯ લોકો ઘવાયા હતા તેમ વિમાની સત્તાવાળાઓએ જણાવ્યું હતું.