(એજન્સી) તા.ર૮
મોટી સંખ્યામાં વિદેશી શ્રમિકોને રોજગારી આપી ટેક્સ ફ્રી જીવનશૈલીનો વિશ્વાસ આપનાર સઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત જેવા મધ્યપૂર્વના દેશો પણ હવે ટેક્સ લાદવાની તૈયારીમાં છે. વસ્તુઓ અને સેવાઓ પર આ દેશ આગામી વર્ષથી પ ટકા ટેક્સ લાદી શકે છે. ત્રણ વર્ષ અગાઉ ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલા ભારે ઘટાડાને કારણે આ દેશોની રેવન્યુમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે. જેની આપૂર્તિ કરવા માટે સઉદી અરબ અને યુએઇ ટેક્સ લાદવાની તૈયારીમાં છે. નવો ટેક્સ અથવા વેટ ભોજન, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને ગેસોલિન ઉપરાંત ફોન, પાણી, હોટલ અને વીજળીના બિલ પર લાગશે. સ્પષ્ટ છે કે ટેક્સની અસર આ બંને દેશોમાં વસતાં ઉપરાંત ફરવા આવતા પર્યટકોના ખિસ્સા પર થશે. દુબઈમાં નોકરી શોધતી ર૩ વર્ષીય વિદ્યાર્થિની એલ્દા નગોમ્બે કહે છે કે આગામી વર્ષે કિંમત વધારા પહેલા જો તે કોઇ વસ્તુ ખરીદવા માગતી હોય તો તે છે કે મેકઅપ કિટ. તેમણે કહ્યું કે હું મેકઅપ કિટ વિના ના રહી શકું. કેમ કે દુબઇમાં પહેલાથી જ બધી વસ્તુઓ મોંઘી જ મળે છે. તેના પર પ ટકા ટેક્સ લાદવો એ ખરેખર એક વિચિત્ર ખ્યાલ છે. ટેકસથી ભાડંુ, રિયલ એસ્ટેટ વેચાણ, વિશેષ ઉપચાર, એરલાઇન્સ ટિકિટ્‌સ અને સ્કૂલ ટ્યૂશનને મુક્તિ આપવામાં આવી છે. જોકે યુએઇમાં હાયર એજ્યુકેશન પર ટેક્સ લાગશે. આગામી વર્ષોમાં અન્ય ખાડી દેશો પણ પોતાની વેટ સ્કીમ લાગુ કરશે. સ્ટોર્સ, જિમ અને અન્ય રિટેલરો પણ ૧ જાન્યુઆરી ર૦૧૮થી ટેક્સ લાગુ થતાં પહેલા ખરીદનારાઓને સ્ટોક જમા કરી લેવા પ્રોત્સાહન આપી રહ્યાં છે. ટેક્સ લાગુ પડી ગયા બાદ કિંમતોમાં થનારા પ ટકાના વધારા છતાં સઉદીનો ટેક્સ યુરોપિયન દેશોના સરેરાશ વેટ રેટ ર૦ ટકાથી ઓછો છે. અબુધાબીના સમાચાર અનુસાર યુએઇમાં જીવન ગુજરાન આગામી વર્ષથી વેટને કારણે ર.પ ટકા મોંઘું થઇ જશે અને પગાર તો એટલો ને એટલો જ રહેવાનો છે. જોકે આ સમાચારો વચ્ચે દુબઇમાં સંચાલિત મોટી મોટી ટ્રાવેલ કંપનીઓએ ભારતીય નાગરિકોને જોતાં જાહેરાત કરી છે કે તે ભાવ વધારો થવાના એંધાણ છતાં ભારતીય ગ્રાહકો પર તેની ઓછી અસર થાય તે માટે વાટાઘાટો કરશે. ટ્રાવેલ કંપનીઓના ટેક્સ લાદવા છતાં તેમના ભાવ ઘટાડશે.