(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
સઉદી અરબના મહત્વના ઓઇલ પ્લાન્ટ્‌સ પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ થયાના લગભગ બે સપ્તાહ બાદ સઉદી અરબે જણાવ્યું કે ટેરર નેટવર્કને ભંડોળ બંધ કરવા અને ગુપ્તચર માહિતીની આપ-લે સહિત ત્રાસવાદને ડામવા માટે સઉદી અરબ ભારત સાથે સહકાર વધારી રહ્યું છે. સઉદી રાજદૂત ડો.સઉદ બિન મોહમ્મદ અલ સાતીએ જણાવ્યું કે ત્રાસવાદ સામેની લડતમાં ભારત અને સઉદી અરબ એકબીજાને સહકાર આપી રહ્યા છે. સઉદી અરબ પ્રદેશમાં ત્રાસવાદનો સફાયો કરવાની તેની ઝુંબેશમાં ભારતની પડખે છે અને આ પડકારને અસરકારકરીતે પહોંચી વળવામાં સંપૂર્ણ સહકાર આપવાનો સઉદી અરબે સંકલ્પ કર્યો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં બંને દેશોએ પ્રત્યાર્પણ સંધિ સહિત સુરક્ષાના ક્ષેત્રમાં ઘણી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. સઉદી રાજદૂતે જણાવ્યું કે ત્રાસવાદ અને ત્રાસવાદને ભંડોળ પુરા પાડવા સામેના વૈશ્વિક અભિયાનમાં સઉદી અરબ મોખરે છે. તેમણે એવું પણ કહ્યું કે આઇએસઆઇએસનો મુકાબલો કરવા ૬૮ સભ્યોના મજબૂત વૈશ્વિક ગઠબંધનના અમે સ્થાપક સભ્ય છીએ.