લખનઉ, તા. ૪
ભારતના ટોચના મૌલાના સલમાન નદવીએ એક ટીવી સાથેની વાતચીતમાં જણાવ્યંુ છે કે, સઉદી અરબ સંપૂર્ણ રીતે અમેરિકાના દબાણમાં છે અને તે મુસ્લિમ દેશોની મદદ કરવાને બદલે ઇસાઇઓ અને યહૂદીઓ તરફ વધુ આકર્ષિત છે. તે મુસ્લિમ દેશો સાથે સંબંધ તોડી યહૂદી દેશો સાથે પોતાના સંબંધો વધારી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા સઉદી અરબ સાથે સંબંધ ધરાવનારા આલિમોએ મૌલાના સલમાન નદવી પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ પોતાના ભાષણો અને લેખોના માધ્યમથી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. એવા પણ અહેવાલો હતા કે, નદવી સાથે સંબંધ ધરાવનારા વિખ્યાત આલિમોને સઉદી અરબના દબાણમાં ઓમાનથી કાઢી દેવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક દેશ છોડવાની ફરજ પડી હતી. જોકે, મૌલાના નદવીએ લખનઉ પહોંચતા જ આ આરોપોને ફગાવી દીધા હતા. આ સાથે જ એવી પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે, સઉદી અરબની આ પ્રકારની નીતિઓ વિરૂદ્ધ આવા આરોપો લગાવાયા છે. મૌલાના અનુસાર અબૂ બકર અલ-બગદાદી સાથે સંબંધના આધારે વિવિધ વાતો કરવામાં આવી રહી છે. હકીકત તો એ છે કે, બગદાદીને પણ પત્ર મોકલાયો છે. મૌલાના સલમાન નદવી કહે છે કે, તેમને ઓમાન, તુર્કી સહિત કોઇપણ દેશને છોડવા મજબૂર કરાયા નથી તેમના ઘણા દેશોના વિદ્વાનો સાથે સારા સંબંધો છે. તેઓ પોતાના ભાષણો અને લેખો દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.