ખોટી માહિતીના આધારે બોમ્બ હુમલા થયાનું તપાસમાં બહાર આવ્યું, તપાસ સમિતિએ ખોટી માહિતીના આધારે કરાયેલા બોમ્બમારા બદલ જવાબદારો સામે પગલાં લેવા જણાવ્યું
(એજન્સી) રિયાધ, તા.૧૬
સઉદી અરેબિયાએ કબૂલ્યું છે કે તેણે યમનના પાટનગર સનામાં ગત સપ્તાહે એક જનાજા પર બોંબમારો કર્યો હતા. જેમાં ૧૪૦થી વધુ લોકોનાં મોત થયા હતા. શરૂઆતમાં સઉદી અરેબિયાએ આ બોંબમારો કર્યાનો ઈન્કાર કર્યો હતો.
યમનમાં એક અંતિમક્રિયા માટે એકત્ર થયેલા લોકો પર સઉદીના વડપણ હેઠળના ગઠબંધન દ્વારા થયેલા બોંબમારાની તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ હુમલા ખોટી માહિતીના આધારે કરવામાં આવ્યા હતા.
સઉદીના યુદ્ધ વિમાનોએ ગત શનિવારે સનામાં યમનના ગૃહપ્રધાનના પિતાની અંતિમક્રિયા માટે એકત્ર થયેલા લોકો પર હુમલા કર્યા હતા. સઉદી અધિકારીઓએ શરૂઆતમાં જણાવ્યું હતું કે વિમાને એ દિવસ યમનના પાટનગર પર કોઈ હુમલા કર્યા નહોતા. પરંતુ શનિવારે સઉદી અરબ તપાસ સંસ્થા જોઈન્ટ ઈન્સિડન્ટસ એસેસમેન્ટ ટીમે (જેઆઈએટી) જણાવ્યું હતું કે યમનમાં એરઓપરેશન સેન્ટરે વિમાનોને ગઠબંધન સેનાના કમાન્ડન્ટની મંજૂરી વગર ટાર્ગેટ તરફ રવાના કર્યા હતા.
ગઠબંધન સેનાના નિયમો અને પ્રક્રિયાની પુર્તતા કર્યા વગર ખોટી માહિતી આપીને સેનાએ ખોટી રીતે સ્થળને નિશાન બનાવતા નાગરિકોનાં મોત થયા અને અસંખ્ય ઘાયલ થયા હતા.
જેઆઈએટીએ નિયમોની સમીક્ષા કરવા અને હુમલાનો ભોગ બનેલાઓના પરિવારને વળતર આપવા જણાવ્યું છે. તપાસ સમિતિએ એવું પણ જણાવ્યું હતું કે આ ઘટના માટે જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. પીડિતોના પરિવારને વળતર પણ ચુકવવું જોઈએ. આ બોંબ હુમલામાં સનાના મેયર અબ્દુલ કાદર હીલાલ પણ ભોગ બન્યા હતા. આ ઘટનાની વિશ્વભરમાંથી ચોમેર ઝાટકણી કાઢવામાં આવી છે. માનવ અધિકાર સંગઠનોએ આ હવાઈ હુમલાને દેખીતા યુદ્ધ અપરાધ તરીકે વખોડી કાઢ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રપ્રમુખ અબ્દે રબ્બૂ મન્સૂર હાદીની સરકારનું સમર્થન કરી રહેલી યમન સેના અને હૌથી વિદ્રોહીઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
Recent Comments