(એજન્સી) કરાચી, તા.૧૨
સઉદી અરબથી કરાચી જઈ રહેલી એક ફ્લાઈટમાં થયેલી કોઈ ગરબડને કારણે એર કન્ડિશનર ખરાબ થઈ જવાથી મુસાફરો બેભાન થઈ ગયા હતા. આને કારણે વિમાનને પહોંચવામાં ૩ કલાકથી વધુનો સમય લાગ્યો હતો. પાકિસ્તાનના સ્થાનિક સમાચાર પત્ર અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે, શ્વાસ રૂંધાવા અને કેબિનના તાપમાનમાં વધારો થવાને કારણે વિમાનમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરો બેભાન થઈ ગયા હતા. ટ્‌વીટર પર સોમવારે વાયરલ થયેલા વીડિયોમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં મુસાફરો વિમાનના નિકાસ દ્વારની સામે બેભાન થયેલા નજરે પડે છે. વિમાનમાં હાજર એક અન્ય મુસાફર દ્વારા રજૂ કરવામાં આવેલા વીડિયોમાં પણ કેટલાક મુસાફરો પુસ્તક અથવા મેગેઝિનથી ખુદને હવા નાખતા જોવા મળ્યા, જ્યારે કેટલાક વૃદ્ધ મુસાફરો બેભાન જોવા મળ્યાં. હજ યાત્રીઓને લઈને પાછી ફરી રહેલી સઉદી અરબ એર લાઈન્સની ફ્લાઈટ એસવી-૭૦૬ને મદીનાથી શનિવારે બપોરે કરાચી પહોંચવાનું હતું, પરંતુ અજ્ઞાત કારણોસર તે યોગ્ય સમયે ના પહોંચી શકી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસાફરોએ જણાવ્યું કે, વિમાનમાં પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે, એર કન્ડિશનર કામ કરતું નથી. ઘણાં મુસાફરોએ કેબિન ક્રૂને આ અંગે ફરિયાદ પણ કરી હતી, જેના પર તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, સમસ્યાનું સમાધાન થયા બાદ જ વિમાન ઉડાણ ભરશે.