(એજન્સી) વોશિંગ્ટન,તા.૨૨
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્રએ સઉદી અરેબિયા અને યુનાઈટેડ અરબ અમીરાતના દૂત સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતના રાજકુમારો ર૦૧૬ની પ્રમુખપદની ચૂંટણીમાં જીત મળે તે માટે ટ્રમ્પના પુત્ર તેમના પિતાની મદદ કરે તેવી આશા રાખતા હતા. યુ.એસ.ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ત્રીજી ઓગસ્ટ, ર૦૧૬ના રોજ ન્યુયોર્કમાં આવેલા ટ્રમ્પ ટાવરમાં જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ અને જ્યોર્જ નાદરની મુલાકાત યોજાઈ હતી. આ બેઠક વિવાદાસ્પદ સુરક્ષા સલાહકાર એરિક પ્રિન્સે યોજી હતી. રશિયા તો ચૂંટણીમાં મદદ માંગે જ છે. પરંતુ વર્ષ ર૦૧૬ની ચૂંટણીઓમાં વિદેશી સરકારો પણ અન્યોની મદદ માંગે છે. તેવું પહેલું ઉદાહરણ જોવા મળ્યું. એક અહેવાલ અનુસાર નદારે જુનિયર ટ્રમ્પને જણાવ્યું હતું કે, સઉદી ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન સલમાન અને અબુધાબી ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન ઝાયેદ અલ-નાહયાને તેમના પિતા આ ચૂંટણી જીતે તે માટે જુનિયર ટ્રમ્પની મદદની આશા રાખી છે. અને તેથી જે તેમણે જુનિયર ટ્રમ્પ સમક્ષ મદદનો પ્રસ્તાવ મૂક્યો છે. જ્યારે ર૦૧૬ની ચૂંટણીઓમાં રશિયન હસ્તક્ષેપ હોવાના આરોપો સામે તપાસ કરી રહેલા રોબર્ટ મૂલરને પોતાની તપાસમાં રશિયાની વિરૂદ્ધ કોઈ પણ પુરાવાઓના મળ્યા હોવાથી તેઓ દુનિયામાં આવેલા અન્ય કથિત સનસનાટીભર્યા ખુલાસાઓ તરફ આગળ વધી રહ્યાં છે. ટ્રમ્પે ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે જ્યારે મારી અને રશિયાની વિરૂદ્ધ કોઈ પણ પ્રકારના પુરાવાઓ મળી રહ્યા નથી. ત્યારે તપાસને બાકીની દુનિયા તરફ વાળવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિના વકીલે જણાવ્યું હતું કે મૂલરના કાર્યાલયે તેમને જાણકારી આપી છે કે આ મુદ્દે ચાલી રહેલી તપાસ ૧ સપ્ટેમ્બરના રોજ પૂરી થશે.