અમદાવાદ,તા.૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જેની શરૂઆત કરાવવામાં આવી હતી તેવી રાજ્ય સરકારની સૌરાષ્ટ્રમાં પાણી લાવનારો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘સૌની યોજના’ વિરૂધ્ધ કરાયેલી વળતરની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી અને તેની ઉપર આવેલો સ્ટે દૂર કર્યો હતો. સૌની યોજનામાં જમીન સંપાદનથી અસરગ્રસ્ત કેટલાક ખેડૂતોએ અરજી કરી હતી. જેના પગલે આ અગાઉ હાઇકોર્ટે પાઇપલાઈનનું કામ આગળ વધારવા પર મનાઇહુકમ ફરમાવવામાં આવ્યો હતો. જો કે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, આ વિસ્તારોમાં ૮૦ ટકા કામ પૂર્ણ થયું છે. જો આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવે તો જળ સંચય અને સિંચાઈ માટે જરૂરી પાણી જળાશય અને ડેમમાં ભરાશે. ખેડૂતોના વળતર અંગે સરકાર જરૂરી નિર્ણય લેશે. આ તમામ રજૂઆતો બાદ કોર્ટે વળતરના મામલે જરૂરી નિર્ણયની સરકારની બાંહેધરી બાદ ખેડૂતોની અરજી ફગાવી દીધી હતી. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં મચ્છુ ડેમ પાસે સૌની યોજનાની અંતર્ગત નાખવાની પાઈપલાઈનોનું અટકેલું કામ શરૂ કરવા લીલી ઝંડી આપી છે. કોર્ટની લીલી ઝંડી બાદ હવે આ વિસ્તારના ૧૧૫ જળાશયોમાં પાણીનો સંગ્રહ થઇ શકશે. સાથે જ ભાદર ૧, ભાદર-૨અને ભાદર TR, ન્યારી ૧ અને ૨ તેમજ ડોંડી, ફોફલ અને ઉંડ ૩ અને ૪ ડેમમાં જળ સંચય થશે. જેમાં કુલ ૧૧૩૫૮ મિલિયન ક્યૂબિક ફૂટ પાણીનું સ્ટોરેજ થશે અને ૪૪૨૭૭ હેક્ટર વિસ્તારને ફાયદો થશે.