(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૪
જૂનાગઢ નજીક વંથલીમાં ઓજત નદીમાં લીઝના પ્રશ્ને ખેડૂતો દ્વારા કરાયેલ ચક્કાજામ અને વિરોધ પ્રદર્શનના મુદ્દે જૂનાગઢ કલેકટર ડો.સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, વંથલીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં છે. કલેકટરે સ્પષ્ટ કહ્યું કે, ખેડૂત કે રજૂઆત કર્તા પર હુમલો કરવામાં આવ્યો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તંત્ર દ્વારા હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરાશે. કલેક્ટરે એમ પણ જણાવ્યું કે, ઓજતમાં જે લીઝ ચાલે છે તે કાયદેસરની છે છતાં પણ તેની નિયમ મુજબની અમલવારી થાય છે કે, કેમ તેની તપાસ કરાવીશું. આ મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ છે. હાઈકોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરીશું, કલેક્ટરે જણાવ્યું હતું કે, વંથલીમાં ટ્રાફિકના સંચાલન માટે તેમજ જાહેર હિતમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. શાંતિથી રજૂઆતો આવકાર્ય છે. જિલ્લાતંત્ર દ્વારા કોઈપણ સ્થળે ગેરકાયદેસર ખનિજનું ખનન ચલાવી લેશે નહીં. આ માટે જે કોઈ જવાબદાર હશે તેની સામે પણ કાર્યવાહી કરાશે.