(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
રાજ્યમાં મેઘરાજા એક પછી એક જિલ્લા અને વિસ્તારો પર મહેરબાની કરતા હોય તેમ હેત વરસાવાનું ચાલુ રાખતા પ્રજાને ગરમી અને અસહ્ય ઉકળાટથી રાહત તો થઈ હતી સાથે-સાથે વાવણી કરી ચૂકેલા ખેડૂતો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ગીર સોમનાથમાં બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવાર સાંજથી મેઘરાજાએ પધરામણી કરી છે અને દરરોજ ઝાપટાથી લઈને ૩ ઈંચ જેટલો વરસાદ વરસી જાય છે, ત્યારે આજે સતત ત્રીજા દિવસે પણ સૌરાષ્ટ્રમાં હળવો-ભારે વરસાદ વરસ્યો છે.
સુરેન્દ્રનગરમાં આજે બપોરના ૪ વાગ્યાથી દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે અને અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આખો દિવસ ઉકળાટવાળુ વાતાવરણ રહ્યા બાદ મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણ ઠંડુ થઈ ગયુ છે.
જૂનાગઢમાં સાંજે ૪ વાગ્યાથી મેઘરાજા મહેરબાન થયા છે અને વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. જ્યારે માળીયા હાટીના અને માંગરોળમાં હળવા-ભારે ઝાપટા પડ્યા છે.
ગીરસોમનાથ જિલ્લાના તાલાળામાં દોઢ ઈંચ તેમજ ગીરગરઢામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગર જિલ્લાના જામજોધપુર અને અમરેલી જિલ્લાના બગસરામાં અડધો ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત ખાંભા, સાવરકુંડલા, ગારીયાધાર અને ભાણવડ, પોરબંદર, જેતપુરમાં પણ ઝાપટા વરસ્યા છે.
પંચમહાલ જિલ્લાના શહેરા, મોરવાહડફ, ભીમદેવળ ગીર, દાહોદના લીમખેડા, સંજેલી, છોટાઉદેપુરના નસવાડીમાં, સુરત જિલ્લાના બારડોલી પંથકમાં, સુરેન્દ્રનગરમાં લીંબડી સહિત આસપાસના ટોકરાળા, ગેડી, જાખણ, કટારિયા, રબોળ સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.