અમદાવાદ, તા.૧૧ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીમાં ઘટાડો થયો છે. જ્યારે આ અસરને લીધે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં છાંટા પડ્યા હતા તો અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ભિલોડા પંથકમાં વાવાઝોડા સાથે ઝાપટું પડ્યું હતું. દક્ષિણ ગુજરાતના ચીખલી વલસાડ સહિતના ૧૦થી વધુ ગામોમાં વહેલી સવારે માવઠું પડ્યું હતું. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસ હળવા વરસાદની તથા બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.