(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
રાજ્યમાં તાજેતરમાં શિક્ષકોની લડતનો મોરચો ખૂલતા હવે આ સરકાર સામે એક વધુ પડકાર ઊભો થયો છે. પાટીદાર, ઓબીસી, ખેડૂતો વગેરેમાં ઊભો થયેલો અસંતોષમાં શિક્ષકોનો ઉમેરો થયો છે. સોમવારે રાજ્યભરના જિલ્લા મથકોએ જોવા મળ્યો.
રાજકોટ : શૈક્ષણિક સંકલન સમિતિના હોદ્દેદારોશ્રી સંજયભાઈ પંડ્યા અને બાબભાઈ બોરીચા વગેરેના નેતૃત્વમાં કલેક્ટરને આવેદનપત્ર આપી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મૌન ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ વિશાળ સંખ્યામાં જોડાયા.
ગીર-સોમનાથ : જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ કરશનભાઈ ડોડિયાની નેતાગીરી હેઠળ શિક્ષકોએ કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી.
મોરબી : સંકલન સમિતિના શ્રી લાલજીભાઈ કગથરા અને એમ.એચ. આણદાણીએ જિલ્લાના કર્મચારીઓને સાથે રાખી આવેદનપત્ર આપી મૌન ધરણા કર્યા હતા.
ભાવનગર : વરસતા વરસાદમાં જિલ્લાના શિક્ષકોએ કાર્યક્રમ કરી પોતાની સાથે થતી અન્યાયી પ્રવૃત્તિઓને વખોડી કાઢી કલેક્ટરશ્રી હર્ષદભાઈ પટેલે આવેદનપત્ર સ્વીકારી સરકારને રજૂઆત કરવા જણાવ્યું હતું. મૌન ધરણામાં શ્રી શિરીષભાઈ જોશીના નેતૃત્વમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.
સાવકુંડલા : સમિતિના ઉપપ્રમુખ કિશોરભાઈએ સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી શ્રી. વીબી. વઘાસિયાને રજૂઆત કરી આવેદનપત્ર એનાયત કર્યું. વિશાળ સંખ્યામાં કર્મચારીઓ સામેલ થયા.
બોટાદ : સમિતિના અગ્રણીઓ હિંમતભાઈ પટેલ અને વી.જી. ગોંડલિયાના નેતૃત્વમાં મોઢા પર પટ્ટી બાંધી ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સૌએ એકસૂરે લડત ચાલુ રાખવા પ્રણ લીધું.
હિંમતનગર : જિલ્લાના અગ્રણીશ્રી મહેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં મૌન રેલી કાઢવામાં આવી. જિલ્લાના હોદ્દેદારોએ એકસૂરે સરકારને ત્વરિત ઉકેલ લાવવા જણાવ્યું.
પાલનપુર : શિક્ષણ બોર્ડના સભ્યશ્રી ભરત ચૌધરીની આગેવાનીમાં આવેદનપત્ર ધરણા કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં મહિલા સહિતનો વર્ગ આ કાર્યક્રમમાં સામેલ થયો.
સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, તાપી, સુરત, અમરેલી, જૂનાગઢ સહિતના તમામ જિલ્લામાં આ કાર્યક્રમ સફળ રીતે પાર પડ્યો. આગામી સમયમાં માસ સીલમાં જોડાવા સૌએ નિર્ધર વ્યક્ત કર્યો હતો. સરકારને કેટલાક મુખ્ય અગ્રણી રચનાત્મક આગેવાનોએ પણ પ્રશ્નો ત્વરિત નિવેડો લાવવા માગણી કરી. વાલી મંડળના અગ્રણીઓ શાળાના શિક્ષણ પર કોઈ અસર ઊભી થાય તે પહેલાં સરકાર હકારાત્મક પ્રતિસાદ વ્યક્ત કરશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
બોક્સ
સરકારે સરકારી અને ગ્રાન્ટેડ કર્મચારીઓની ભેદભાવનીતિ છોડવી જોઈએ. અમારી લડત આર્થિક માંગ માટે નથી પણ શિક્ષણની ગુણવત્તા માટે અને સમાનતાની માગની છે. શિક્ષણ તૃતિય કક્ષાના વિષયના બદલે સૌથી અગ્રતામાં લાવવું જોઈએ : તખુભાઈ સાંડસુર, પ્રવક્તા ભાવનગર શૈ.સંકલન સમિતિ.