નવી દિલ્હી,તા.૧૮
એશિયા કપમાં ભારતના કટ્ટર હરિફ પાકિસ્તાન સામે ટૂંક સમયમાં મુકાબલો થવા જઇ રહ્યો છે. તેવામાં ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં નહી રમે. તેની ગેરહાજરીમાં રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં કોહલી ન હોવાથી ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને જરાંય ચિંતા નથી. ગાંગૂલીનું કહેવું છે કે પાકિસ્તાન સામેની મેચમાં કોહલીના ન હોવાથી કંઇ ખાસ ફેર નહી પડે.એશિયા કપમાં બંને કટ્ટર હરિફ ટીમો વચ્ચે રમાશે. અગાઉના મુકાબલામાં બંને દેશો વચ્ચે ૧૨ મેચ રમાઇ છે જેમાં જીત-હારનો રેકોર્ડ ૬-૫થી ભારતના પક્ષમાં છે. ગાંગૂલીએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે દુબઇમાં રમાનાર આ મેચમાં બંને ટીમો જીત માટે બરાબરની દાવેદાર હશે. કોહલીની ગેરહાજરીથી કોઇ ખાસ અસર નહી પડે. ટીમ શ્રેષ્ઠ છે. પાકિસ્તાને પણ પોતાના પ્રદર્શનમાં સુધાર કર્યો છે.ભારત એશિયા કપ ટૂર્નામેન્ટમાં સૌથી સફળ ટીમ છે જેણે આ ખિતાબ છ વાર પોતાના નામે કર્યો છે જ્યારે પાકિસ્તાન બે વખત આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું છે. કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. છેલ્લે બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આમને સામને આવી હતી જ્યાં પાકિસ્તાને ભારતને ૧૮૦ રનથી હરાવ્યું હતું.