(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
વિખ્યાત સંશોધક વેબસાઇટ કોબ્રાપોસ્ટે મંગળવારે ૩૧,૦૦૦ કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો ખુલાસો કરતાં સનસનાટી ફેલાવી છે. આને ભારતીય ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. કોબ્રાપોસ્ટના ખુલાસામાં નોન બેન્કિંગ નાણાકીય કંપની દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ(ડીએચએફએલ)ના પ્રમોટરો પર કથિત રીતે સામાન્ય જનતાના કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેેખનય છે કે બોલિવૂડ સ્ટાર શાહરૂખખાન આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. જાહેર નાણાની આટલી મોટી હેરાફેરી ડીએચએફએલે ઘણી શિફતપૂર્વક શેલ કંપનીઓ દ્વારા કરી છે. જાહેર રીતે મળી રહેનાર માહિતી અને સરકારી વેબસાઇટ પરથી મળેલી જાણકારીથી આ કૌભાંડનો ખુલાસો થયો છે. કોબ્રાપોસ્ટ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થાને નબળી પાડનારા આ કૌભાંડની તપાસ અત્યંત જરૂરી છે જેથી તેમાં સંડોવાયેલા લોકોને સજા મળી શકે અને જાહેર નાણાની તેમની પાસે વસૂલી કરી શકાય. તપાસમાં કોબ્રાપોસ્ટે ૩૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના કૌભાંડની જાણ થઇ છે જે સંભવતઃ દેશનું સૌથી મોટું કૌભાંડ છે. મુખ્ય સૂત્રધાર ડીએચએફએલે અનેક બનાવટી કંપનીઓને કરોડો રૂપિયાની લોન આપી અને પછી નાણા ફરીને આ કંપનીઓ પાસે આવી ગયા જેના માલિક ડીએચએફએલના પ્રમોટર છે. આ રીતે ડીએચએફએલે ૩૧,૦૦૦ કરોડથી વધુની હેરાફેરી ખુલ્લેઆમ કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, કોબ્રાપોસ્ટના વિસ્ફોટક ખુલાસામાં ડીએચએફએલે સત્તાધારી ભાજપને પોતાની શેલ કંપનીઓ દ્વારા મોટું ભંડોળ આપ્યું છે. ડીએચએફએલ દ્વારા બનાવાયેલી કંપનીઓએ ભાજપને ૧૯.૬ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. જેમાં આરકે ડેવલોપર્સ દ્વારા ૯.૯૩ કરોડ રૂપિયાનું ભંડોળ ભાજપને આપવાનું તેમની બેલેન્સ શીટમાં દેખાડે છે.
ચોંકાવનારી વાત એ છે કે, આટલા મોટા કૌભાંડ પર ભારતીય રિઝર્વ બેંક, સેબી સહિત ફાઇનાન્સ મંત્રાલયના કોઇપણ એકમની નજર પડી નથી જેમની જવાબદારી આટલી મોટી અનિમિતતા રોકવાની છે. આ ઉપરાંત બેંક, ઓડિટિંગ એજન્સી અને આવકવેરા વિભાગે પણ આ અંગે પોતાની જવાબદારી નિભાવી નથી. કોબ્રાપોસ્ટના ખુલાસામાં દાવો કરવામાં આવ્યો છે કે, આ કૌભાંડમાં ભારતીય સ્ટેટ બેંક એટલે પીએનબી, એક્સિસ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંકની મોટી બેદરકારી સામે આવી છે. આ બેંકોએ ખોટમાં ચાલી રહેલી ડીએચએફએલને કુલ મળીને ૯૬,૮૮૦ કરોડ રૂપિયાની લોન આપી છે જે દેશના સામાન્ય લોકોના નાણા છે. આના દ્વારા ડીએચએફએલના માલિકોએ દેશ અને વિદેશમાં મોટી-મોટી કંપનીઓના શેર તથા મિલકતો ખરીદી છે. આ મિલકતો ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, દુબઇ, શ્રીલંકા અને મોરેશિયસમાં ખરીદાઇ છે. ડીએચએફએલના મામલે વધુ એક વાત એ સામે આવી છે કે, આ શંકાસ્પદ કંપનીઓને ડીએચએફએલના મુખ્ય ભાગીદારોએ પોતાની જ પ્રમોટર કંપનીઓ, તેમની સહયોગી કંપનીઓ અને અન્ય બનાવટી કંપનીઓ દ્વારા બનાવી છે. કપિલ વાઘવન, અરૂણા વાઘવન અને ધીરજ વાઘવન ડીએચએફએલના મુખ્ય ભાગીદાર છે. આ ખુલાસો ત્યારે સામે આવ્યો છે જ્યારે સીબીઆઇએ આઇસીઆઇસીઆઇના પૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂત સામે આશરે ૩૨૫૦ કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં રાષ્ટ્રીય તપાસ ચલાવી છે.
કોબ્રાપોસ્ટ અનુસાર ઉપરાંત કંપનીઓ પોતાની લોન નીતિઓ અને કોર્પોરેટ ગવર્નન્સ પોલિસી બંનેને બાજુમાં મુકી આ તમામ કામો કર્યા છે. કાયદાની વાત આવે ત્યારે આ તમામ ગરબડ સેબીના નિયમો, નેશનલ હાઉસિંગ બોર્ડના દિશા-નિર્દેશો, કંપની એક્ટની અનેક કલમો, ઇનકમ ટેક્ષની વિવિધ કલમો, આઇપીસીની કલમો અને કાળા નાણાને શોધવા સાથે સંબંધિત પીએમએલ એક્ટનું છડેચોક ઉલ્લંઘન છે. સૌથી મહત્વની વાત એ છે કે, ડીએચએફએલ દ્વારા બનાવટી કંપનીઓ ઉભી કરીને આપેલી લોનના નાણાની ક્યારેય રિકવરી થઇ શકતી નથી કારણ કે કંપની કે તેના ડિરેક્ટરોએ આ મિલકતો પોતાના નામે ખરીદી નથી. આ રીતે વાઘવાન અને તેમના સાથીદાર કંપનીઓએ આ ફંડનો એવી રીતે ઉપયોગ કર્યો છે કે, ક્યારેય તેને પરત લાવી શકાય તેમ નથી. પીએનબી બેંક દ્વારા અપાયેલી રૂપિયા ૫૦૦૦ હજાર કરોડની લોનનુ કૌભાંડ કરીને ભારત છોડી ગયેલા મેહૂલ ચોકસી અને નીરવ મોદી પણ આ જ કૌભાંડનો હિસ્સો હોવાનો દાવો કરાતા વડાપ્રધાન મોદીની ભૂમિકા પણ તેમના મિત્રો સાથે શંકાસ્પદ દાયરામાં આવી જાય છે. વિપક્ષ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી સતત નીરવ મોદી અને મેહૂલ ચોકસી દ્વારા કરાયેલા મસમોટા કૌભાંડમાં સત્તાધારી ભાજપ અને પીએમ મોદી પર આરોપ લગાવી રહી છે. જોકે, લોકસભા ચૂંટણીને આશરે બે મહિના જ બચ્યા છે ત્યારે આ સ્ફોટક ખુલાસાથી રાજકીય ભૂકંપ આવે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે, નીરવ મોદી અને મેહૂલ ચોકસીની જેમ પહેલા જ દેશ છોડીને જતા રહેલા વાઘવાન વિરૂદ્ધ સરકાર લૂકઆઉટ નોટિસ જારી કરે છે કે નહીં.

કોબ્રાપોસ્ટે ૩૧,૦૦૦ કરોડ રૂપિયાના
કૌભાંડનો ખુલાસો કરતા સનસનાટી ફેલાઇ

કોબ્રાપોસ્ટ દ્વારા ૩૧,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો ખુલાસો કરતા સનસનાટી ફેલાઇ છે આ કૌભાંડ બેંકો થકી કરવામાં આવ્યું છે. ખુલાસા બાદ શેર માર્કેટમાં ભૂકંપ આવી ગયો છે. કોબ્રાપોસ્ટનો ધડાકો એવા સમયે થયો છે જ્યારે કેટલાક સમય પહેલા જ સીબીઆઇ દ્વારા આઇસીઆઇસીઆઇના પૂર્વ સીઈઓ ચંદા કોચર વિરૂદ્ધ છેતરપિંડી મામલે બેંકિંગ ક્ષેત્રના કેવી કામત તથા અન્યોની પૂછપરછ કરવા માટે મંજૂરી મગાઇ હતી. સીબીઆઇએ ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોનના એમડી વેણુગોપાલ ધૂત સામે એક ફરિયાદ દાખલ કરી છે. ખુલાસોસામે આવ્યા બાદ સેન્સેક્સ સોમવારે ૩૬૮.૮૪ પોઇન્ટ નીચે પટકાયો હતો એટલે તેમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ૨૨ જાન્યુઆરી બાદ બીએસઇ બેંચમાર્ક ઇન્ડેક્સનું સૌથી નીચલું સ્તર છે. નિફ્ટીમાં પણ ૧૧૯ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. આ પહેલા રિપોર્ટમાં જાણવા મળ્યું કે, એસ્સેલ ગ્રૂપ અને નિત્યાંક ઇન્ફ્રાપાવર વચ્ચે કથિત લિંક હોવાનો આરોપ લગાવ્યો હતો. નોટબંધી બાદ ૩૦૦૦ કરોડ રૂપિયા જમા કરવા મામલે નિત્યાંકની ગંભીર છેતરપિંડી તપાસ ઓફિસ તપાસ કરી રહી છે.

ભારતના ઇતિહાસના સૌથી મોટા કૌભાંડના કોબ્રાપોસ્ટના દાવા બાદ DHFLના શેર ૮ ટકા પટકાયા

કોબ્રાપોસ્ટ દ્વારા દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા ૩૧,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો સ્ફોટક ધડાકો કર્યા બાદ જ મંગળવારે જ ડીએચએફએલ કંપનીના શેર આઠ ટકા સુધી તૂટ્યા હતા. વેબસાઇટ કોબ્રાપોસ્ટે મંગળવારે ૩૧,૦૦૦ કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો ખુલાસો કરતા સનસનાટી ફેલાવી છે. આને ભારતીય ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. કોબ્રાપોસ્ટના ખુલાસામાં નોન બેન્કિંગ નાણાકીય કંપની દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ(ડીએચએફએલ)ના પ્રમોટરો પર કથિત રીતે સામાન્ય જનતાના કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો છે. વેબસાઇટે દાવો કર્યો છે કે, ડીએચએફએલે વિવિધ શેલ કંપનીઓમાં ૨૧,૪૭૭ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે જેમાં કોઇપણ શરતો કે નિયમો વિના લોન આપી દેવાઇ છે.