(એજન્સી) વોશિંગ્ટન, તા.૯
‘બ્લૂમબર્ગ બિલોનિયર’ દરરોજ ન્યૂયોર્કના શેરબજારને આધારે પ૦૦ સૌથી શ્રીમંત લોકોની યાદી ‘અપડેટ’ કરે છે. આ વખતે ‘બ્લૂમબર્ગ’ દ્વારા જારી કરાયેલી યાદીમાં વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકે બિલ ગેટ્‌સના સ્થાને કોઈ બીજી વ્યક્તિએ પોતાનું નામ નોંધાવ્યું હતું. આ વ્યક્તિએ વિશ્વના પ૦૦ લોકોને પછડાટ આપી યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. એમેઝોનના સ્થાપક જેફ બેજોસે બિલ ગેટ્‌સને પાછળ રાખતા ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ન્યૂયોર્ક શેરબજાર બંધ થયા બાદ બેજોસની કુલ સંપત્તિ ૧૪ર બિલિયન ડોલર એટલે કે ૯.૭૬ લાખ કરોડ રૂપિયાએ પહોંચી હતી. સૌથી વધુ સંપત્તિ હોવાના કારણે બેજોસ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. જો કે, ચોંકાવનારી વાત એ હતી કે બજાર બંધ થયા બાદ ‘ફેસબુક’ના શેરોની કિંમતમાં સૌથી વધુ ઉછાળ જોવા મળ્યો હતો. ‘ફેસબુક’ના સ્થાપક માર્ક ઝુકરબર્ગ ૮૧.૬ અબજ ડોલર એટલે કે, પ.૬૧ લાખ કરોડ રૂપિયા સાથે યાદીમાં ત્રીજા સ્થાને રહ્યા હતા. ૯૪.ર બિલિયન ડોલર એટલે કે ૬.૪૭ લાખ કરોડ રૂપિયા સાથે બિલ ગેટ્‌સ યાદીમાં પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને પહોંચ્યા હતા. આ યાદીમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ર.૭ર લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ૧૮મા સ્થાને રહ્યા હતા.