(એજન્સી) ચેન્નાઈ, તા.૧૭
ચેન્નાઈમાં આવકવેરા વિભાગે પાડેલ દરોડાઓમાં આજ સુધીની સૌથી મોટી રકમ અને સોનું પકડી પાડ્યું છે. તામિલનાડુમાં રોડો બાંધવાનું કામકાજ કરતી કંપનીના વિવિધ ધંધાના સ્થળોએ દરોડાઓ પાડી ૧૬૩ કરોડ રૂપિયા રોકડા અને ૧૦૦ કિલો સોનું પકડી પાડ્યું છે. રોકડા રૂપિયા અને સોનાના બિસ્કીટો કાળું નાણું હોવાનું માનવામાં આવે છે. મદુરાઈની એસપીકે કંપનીના રર સ્થળો અરૂપપ્પુકાંટ્ટાઈ, વેલ્લોર અને ચેન્નાઈમાં દરોડાઓ પાડવામાં આવ્યા હતા જે હજી પણ ચાલુ હોવાનું કહેવાય છે. કંપની સરકાર પાસેથી રોડ બાંધવાના કોન્ટ્રાક્ટ કરે છે. અધિકારીઓએ જણાવ્યું કે, દેશમાં પાડવામાં આવેલ દરોડાઓમાં મળેલ રકમોમાંથી આ સૌથી મોટી રકમ છે. આવકવેરા વિભાગે આ પહેલાં ર૦૧૬ના વર્ષમાં નોટબંધી પછી એક દરોડામાં ૧૭૦ કરોડ રૂપિયા રોકડા પકડી પાડયા હતા.
આ કંપની અને એની સાથે જોડાયેલ અન્ય ફર્મોની તપાસો કરાતા ટેક્ષ ચોરીની માહિતી મળી હતી જેના આધારે દરોડાઓ પાડવામાં આવ્યા. જપ્ત કરાયેલ રોકડ મોટી બેગોમાં અને પાર્ક કરેલ ગાડીઓમાં મૂકવામાં આવી છે. એની સાથે સંખ્યાબંધ દસ્તાવેજો, કોમ્પ્યુટરની હાર્ડડિસ્ક પણ વિભાગે જપ્ત કરી છે.