રાહુલની તમામ સભામાં જંગી માનવ મેદની ઉમટી પડી, બાળકો અને યુવતીઓની સેલ્ફી લેવા પડાપડી
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ગુજરાતની ચૂંટણી પ્રચારના બીજા દિવસે દહેગામ, બાયડ અને લુણાવાડામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. દહેગામમાં રાહુલ ગાંધી સ્ટેજ પર પહોંચ્યા ત્યારે એક નાના બાળક અને યુવતીએ રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેવા વિનંતી કરતાં રાહુલ ગાંધીએ બંનેને બોલાવી સેલ્ફી પડાવી હતી. રાહુલ ગાંધીએ બાયડ અને લુણાવાડામાં પણ સભા સંબોધી હતી જ્યાં તેમને સાંભળવા જંગી માનવમેદની ઉમટી પડી હતી. રાહુલ ગાંધીની સભાઓમાં અહમદભાઈ પટેલ, અશોક ગેહલોત, ભરતસિંહ સોલંકી સાથે જ રહ્યા હતા.
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રપ
વાયડ,લુણાવાડ
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે પુનઃ ગુજરાત પધાર્યા છે. ગઈકાલે પોરબંદર, સાણંદ, અને નિકોલમાં સંબોધન કર્યા બાદ આજરોજ સવારે દહેગામ પહોંચ્યા હતા. જયાં વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદી ફ્રાન્સ ગયા ત્યારે કોઈની પણ સાથે ચર્ચા વિચારણા કર્યા વગર રાફેલ સાથેનો કોન્ટ્રાકટ રદ કરી નાખ્યો એટલું જ નહીં એરક્રાફટ બનાવવા માટે જાણીતી હોય તેવી કંપનીને કોન્ટ્રાકટ આપવાના બદલે પોતાના ઉદ્યોગપતિ મિત્રને આપ્યો કે જેઓ એરક્રાફટ અંગે કશું જાણતા નથી. મોદી પર સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે સૌથી મોટો જાદુગર તો ભાજપમાં છે જેણે અડધી રાત્રે રૂા.પ૦૦ અને ૧૦૦૦ની નોટો ગાયબ કરી નાખી. રાહુલ ગાંધી દહેગામથી અરવલ્લી જિલ્લામાં પ્રવેશ્યા હતા. જયાં તેનપુર ગામે પાટીદાર સમાજ સહિતના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જયાંથી તેઓ બાયડ ખેડૂત અધિકાર સભા મંડપમાં પહોંચ્યા હતા. જયાં તેમણે કેન્દ્રની અને રાજયની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે રોજગારી માટે રૂા.૩૩ હજાર કરોડનો મનરેગા પ્રોજેકટ લાવી હતી. જેનાથી લોકોને રોજગારી મળતા આર્થિક સ્થિતિ સુધર્યા ઉપરાંત અર્થતંત્રમાં પણ સુધારો થયો હતો. પરંતુ મોદી સરકારે ગુજરાતના લોકોની પરસેવાની કમાણીના રૂા.૩૩ હજાર કરોડ એકમાત્ર ટાટાના નેનો પ્રોજેકટને આપી દીધા.રૂ આ ઉપરાંત તેમણે ખેડૂતોની જમીન પાણી અને વીજળી પણ છીનવી લઈ ટાટાને આપી દીધી જેનાથી લોકોને રોજગારી મળશેની વાતો કરી હતી. પરંતુ પ્રોજેકટ પણ ફેલ થઈ જતાં લોકોને રોજગારી તો ન મળી પરંતુ નેનો કાર પણ રસ્તા પર શોધ્યે જડતી નથી. મોદી સરકારે એક ઉદ્યોગપતિને કરેલી રૂા.૩૩ હજાર કરોડ રૂપિયાની લ્હાણીના બદલે રાજયના યુવાનોના શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચી હોત તો અત્યારે ગુજરાતના લોકો મુશ્કેલી અનુભવતા ન હોત આ ઉપરાંત નોટબંધી, જીએસટી અને રાફેલ વિમાનોની ખરીદી જેવા કોઈને પૂછયા વિના કે સલાહ વિના લીધેલા નિર્ણયો લોકો પર ઠોકી બેસાડતા લોકોની હાલત કફોડી બની છ અને અર્થવ્યવસ્થા ખાડે જવા સાથે બેરોજગારી વધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ જતા શિક્ષણ મોંઘુ બન્યુ છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના બાળકોને ઉચ્ચશિક્ષણ અપાવી શકતા નથી. ૯૦ ટકા કોલેજો ખાનગી થઈ ગઈ હોવાથી સામાન્ય લોકોનું તો ઉચ્ચશિક્ષણ મેળવવાનું ગજુ જ રહ્યું નથી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવો નીચા હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે. નોટબંધીને લીધે કાળુંનાણું તો બહાર ન આવ્યું પરંતુ તેઓના માનીતા ઉદ્યોગપતિઓ અને મળતિયાઓનું કાળુંનાણું સફેદ થઈ ગયું. સતનામપુરના પ્રતાપપુરા મેદાનમાં યોજાયેલી હજારોની જનમેદનીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ આ મુજબ જણાવ્યું હતું.
દરમ્યાન મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના ઈન્દિરા મેદાનમાં યોજાયેલી સભામાં ભાજપ પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ પાર્ટીમાં બધા જાદુગરો છે તેમાં સૌથી મોટો જાદુગર રાત્રીના ૧ર વાગે જાદુ કરે છે. ૮ નવેમ્બર-ર૦૧૬ની રાત્રીના ૧ર-વાગે જાદુ કર્યો અને પ૦૦ અને ૧૦૦૦ની નોટો રદ થઈ ગઈ. હિન્દુસ્તાનની ભોળી જનતાને બેન્કોની સામે લાઈનમાં ઉભા કરી દીધા ત્યારે હિન્દુસ્તાનના મોટા ચોરો મોટી ગાડીવાળા, સુટબુટવાળા, પ્રાઈવેટ હવાઈ જહાજવાળા તેમનું કાળું ધન બેન્કોના પાછલા દરવાજે ઘુસીને એસીમાં બેસીને કાળું ધન સફેદ કરતા હતા. ભોળી જનતા લાઈનોમાં ઉભી રહેતી હતી. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે જાદુના શોથી હિન્દુસ્તાનના મોટા ચોરોનું કાળું ધન જાદુથી સફેદ કરી નાખ્યું. જાદુથી રાત્રીના ૧ર વાગ્યેથી જીએસટી એવો ગબ્બરસિંગ ટેક્ષ લાગુ કરી ર૮ ટકા ટેક્ષ હિન્દુસ્તાનની ભોળી જનતા પર નાખી દીધો છે. સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થાય છે. ત્યારે હિન્દુસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થાય છે. આ જાદુથી મોદીજીના પ.૧૦ મિત્રોનો ફાયદો થાય છે. દર વર્ષે નવેમ્બરમાં રાજયસભા અને લોકસભાના દરવાજા ખુલે છે પરંતુ આ વર્ષે ગુજરાતમાં ચૂંટણીને લીધે રાજયસભા અને લોકસભાના દરવાજા નહીં ખુલે કેમ કે ગબ્બરસિંગ ટેક્ષ લાદયો, હજારો કંપનીઓ બંધ થઈ ગઈ લાખો લોકો બેરોજગાર થઈ ગયા. અમિત શાહના પુત્ર જય શાહની ચમકતી કંપની જાદુની કંપની છે જે રૂા.પ૦ હજારમાંથી ત્રણ-ચાર મહિનામાં ૮૦ કરોડમાં બદલી નાખે છે જે ચર્ચા નરેન્દ્ર મોદી કરવા માગતા નથી. ન ખાઉંગા ન ખાને દુંગા ની જગ્યાએ અબ ન બોલુંગા ન બોલને દુંગાની નીતિ અપનાવે છે. આ કારણોસર સંસદનું સત્ર બોલાવાતું નથી.
Recent Comments