અમદાવાદ, તા.૧૩
અમદાવાદ શહેરની બે દિવસની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન શીનજો આબે,તેમના પત્ની અકી આબે સહિત જાપાનના હાઈલેવલ બિઝનેસ ડેલિગેટસને આવકારવા આયોજિત કરવામા આવેલા એરપોર્ટથી આરટીઓ સર્કલ સુધીના રોડ-શોમાં વિશ્વમાં અત્યાર સુધી યોજવામા આવેલા રોડ શોમા સૌથી મોટી સંખ્યામા લોકોએ હાજરી આપતા અમદાવાદ શહેરને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામા આવ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે,આજે બપોરના સુમારે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા બાદ એરપોર્ટથી લઈને આરટીઓ સર્કલ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ રાજ્યોના લોક નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ૪૦ જેટલા સ્ટેજ બનાવવામા આવ્યા હતા.આ સ્ટેજ પરથી કલાકારો દ્વારા જાપાનના વડાપ્રધાન શીનજો આબે,તેમના પત્ની સહિતના મહેમાનોને સત્કારતા શાનદાર પર્ફોમન્સને નિહાળવા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાથી મોટી સંખ્યામા રોડ-શોમા ઉમટી પડ્યા હતા.જેમા પરંપરાગત પહેરવેશ સાથે લોકો ઉમટી પડ્યા હતા જેની ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ નોંધ લેવામા આવી છે.આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સર્ટિફિકેટ પણ આપવામા આવ્યુ છે. આ અંગે અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહે સમગ્ર અમદાવાદ શહેરને મળેલા આ ગૌરવ બદલ ગર્વની લાગણી વ્યકત કરતા તમામ શહેરીજનોનો વિશેષ આભાર માન્યો છે. આને લઇને પણ ચર્ચા શરૂ થઇ છે.