(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે. આજરોજ તેમણે રાધનપુર તાલુકાના પેદાશપુર ગામની લાઈફબોટમાં બેસી મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે સૌથી વધુ અસરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ગામોના તમામ લોકોને દસ દિવસની કેશડોલ્સ એકસાથે આપવામાં આવશે. તેમજ ઘરવખરી, પાક નુકસાન, પશુધન નુકસાન, જમીન ધોવાણ સહાય ત્વરિત ધોરણે ચૂકવવામાં આવશે. આજે પાંચમાં દિવસે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુર ગામની રાજ્યના મુખ્યમંત્રીએ મુલાકાત લઈ લોકોના દુઃખમાં સહભાગી બન્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આપત્તિના આ કપરા સમયમાં સરકાર તમારી સાથે છે. આવનાર પંદર દિવસોમાં ગ્રામજનોના પુરૂષાર્થથી પેદાશપુર ગામને સવાયુ અને સુવિધાયુક્ત બનાવાશે. બચાવકાર્ય દરમિયાન ર૦ હજારથી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. અસરગ્રસ્ત ગામોમાં વીજળી અને પાણીની સેવાઓ પૂર્વવત થઈ રહી છે. સૌથી વધુ પૂર પ્રકોપની પરિસ્થિતિ આ વિસ્તારમાં થઈ છે. પૂરની આ સ્થિતિમાં ગ્રામજનોનો સહકાર અને સંપ દિલેદારી છે. આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ વાતાવરણમાં પણ મુખ્યમંત્રીએ પૂર સમયે આપણી સાથે રહી સંવેદના વ્યક્ત કરી હતી. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ૧ર જેટલા હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી લોકોના જીવ બચાવ્યા છે. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં પૂર પ્રકોપની આ પ્રકારની પરિસ્થિતીમાં દુઃખમાં સહભાગી થવા માટે ઈતિહાસમાં પ્રથમવાર કોઈ મુખ્યમંત્રીએ ગામની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રીની આવા નાનકડા ગામની મુલાકાત તેમની સંવેદના જણાઈ આવે છે.