(એજન્સી) લખનઉ, તા.૧
૬ ડિસેમ્બરનાં રોજ સાવિત્રીબાઇ ફુલેએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપ સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ રમે છે.
તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડનાર અને દલિત નેતા સાવિત્રીબાઇ ફુલેએ ઉત્તરપ્રદેશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, દેશમાં કુંભ મેળા અને મંદિરો બનાવવાથી વિકાસ થવાનો નથી. પણ બંધારણનો અમલ કરવાથી વિકાસ થશે.”
તેમણે કહ્યું કે, એક તરફ દલિતો અને આદિવાસીઓ તેમના અધિકારો માટે લડત કરી રહ્યા છે અને બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકાર કુંભ મેળા અને મંદિરો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે.”
સાવિત્રીબાઇ ફુલેએ સવાલ કર્યો કે, શું કુંભ મેળો અને મંદિરો દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓનાં પેટ ભરશે ? સરકાર લોકોનું ધ્યાન બીજે દોરવા માંગે છે. દેશ મંદિરોથી ચાલવાનો નથી”.
દલિત સાંસદ સાવિત્રીબાઇ ફુલેએ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ટીકા કરતા કહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ છે. મુખ્યમંત્રી રાજ્ય ચલાવવા માટે બિલકુલ લાયક નથી. છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ તેની સાક્ષી પૂરે છે.” આ પહેલા ૬ ડિસેમ્બરનાં રોજ સાવિત્રીબાઇ ફુલેએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, તે સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ રમે છે અને અનામતને જાળવવા માટે કશું કરતી નથી.
સાવિત્રી બાઈ ફુલેએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના રાજમાં અનામત સમાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બંધારણને સમાપ્ત કરવાની યોજના ઘડાઈ રહી છે.