(એજન્સી) તા.૭
ઉત્તરપ્રદેશના બહેરાઈચના ભાજપના દલિત સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ ગુરુવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. પોતાના વિવાદિત નિવેદનોથી કેન્દ્ર અને યુપી સરકારને અનેકવાર ઘેરનાર ફુલેએ ભાજપને દલિત, પછાત અને મુસ્લિમ વિરોધી ગણાવ્યો હતો. સાથે જ દાવો કર્યો હતો કે ભાજપ અનામત ખતમ કરવા માટે કાવતરું ઘડી રહ્યો છે. ફુલેએ ડો.ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિએ આયોજિત એક કાર્યક્રમમાં ભાજપમાંથી રાજીનામાંની જાહેરાત કરી હતી. ફુલેએ કહ્યું કે તેમણે ફક્ત પાર્ટી છોડી છે પણ કાર્યકાળ પૂરો કરવા સુધી તે સાંસદ પદે યથાવત્‌ રહેશે. વડાપ્રધાન મોદી પર નિશાન તાકતાં તેમણે કહ્યું હતું કે દેશના ચોકીદારની નજરમાં સંસાધનોની ચોરી કરવામાં આવી હતી. સાથે જ કહ્યું કે હિન્દુ-મુસ્લિમ અને ભારત-પાકિસ્તાનના મુદ્દાને ઊઠાવી ભાજપ દેશમાં ઘૃણા ફેલાવી રહ્યો છે. પણ પૈસા લઈને વિદેશ ભાગેલા લોકોને પાછા લાવવાની દિશામાં કોઇ પગલું ભરાયું નથી. તેમણે કહ્યું કે ભાજપ દેશના બંધારણને બદલવાના પ્રયાસો કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ફુલે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલા બસપા છોડી ભાજપમાં સામેલ થયા હતા. અગાઉ ૧ એપ્રિલના રોજ લખનૌ ખાતે આયોજિત એક રેલીમાં પણ ભારતીય જનતા પાર્ટી તરફથી સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ યુપીના બહેરાઈચ જિલ્લામાં જ પાર્ટી વિરુદ્ધ બળવો પોકાર્યો હતો. તેમણે દલિતો પર વધી રહેલા હુમલાની ઘટનાઓ અંગે ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે મોહમ્મદ અલી ઝીણાને મહાપુરુષ ગણાવ્યા હતા અને ભારતીય બંધારણ બચાવો રેલીનું આયોજન પણ કર્યુ હતું. બંધારણ જોખમ હેઠળ છે તેવો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે ક્યારેક ભાજપ કહે છે કે તે બંધારણમાં સુધારો કરવા માગે છે, કેટલીક વાર તે કહે છે કે દેશમાં અનામત જ ના હોવી જોઇએ. બાબાસાહેબનું બંધારણ ખરેખર સંકટમાં છે. મોહમ્મદ અલી ઝીણાના પોટ્રેટ અંગે તેમણે કહ્યું હતું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝીણાનો પોટ્રેટ છે તેમાં ખોટું શું છે. તે મહાન પુરુષ હતા અને તેઓ હંમેશા અમારી યાદોમાં રહેશે. તેમણે પણ ભારતની આઝાદીમાં ફાળો આપ્યો હતો. ધ વાયર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું. ફક્ત હું એકલી જ નહીં પરંતુ કેટલાક જજો પણ અનુભવે છે કે લોકશાહી ખતરામાં છે. હું ક્યારેય અન્યાય સામે બોલવામાં પાછી પડવાની નથી.