(એજન્સી) લખનૌ, તા.૬
બહરાઈચથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ સાવિત્રીબાઈ ફૂલે સમાજને વિભાજિત કરવાનું કાવતરૂં કરતી હોવાનો અને પછાત વર્ગ સાથે ભેદભાવભર્યું વલણ રાખતી હોવાનો આરોપ મૂકી ભાજપથી છેડો ફાડી નાખ્યો છે. સાવિત્રીબાઈ અનેક મુદ્દે બીજેપીથી નારાજ હતા. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ ફુલેએ પાર્ટી પર એવો આરોપ મૂક્યો કે ભારતીય જનતા પાર્ટી સમાજને વહેંચવાનું કાવતરૂં કરે છે અને દલિતો સાથે ભેદભાવનું વલણ રાખે છે. વિવાદિત નિવેદનો માટે જાણીતા બીજેપી સાંસદ ફુલે આ વર્ષની શરૂઆતમાં દલિતો સાથે ભેદભાવનો આરોપ મૂકી પાર્ટીના નેતૃત્વનો વિરોધ કર્યો હતો અને પ્રદેશ બહાર દલિતો સાથે ભોજનને સાર્વજનિક રીતે વખોડી કાઢ્યું હતું. પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારૂં મહાપુરૂષ ગણાવતું નિવેદન કરી વિવાદ ઊભો કર્યો હતો અને પાર્ટીને મુશ્કેલીભરી સ્થિતિમાં મૂકી દીધા હતા. ભગવાન હનુમાનના વિવાદમાં કૂદતા ફુલેએ સીએમ યોગીના દાવાને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે હનુમાન પણ મનુવાદીઓના ગુલામ હતા. સાવિત્રીબાઈએ મંગળવારે કહ્યું કે હનુમાન દલિત હતા અને મનુવાદીઓના ગુલામ હતા. લોકો કહે છે કે રામ ભગવાન છે અને હનુમાને એમનું કામ સફળ બનાવ્યું. જો રામમાં શક્તિ હતી તો એમના કામને સફળ બનાવનારને વાંદરો કેમ બનાવ્યો ? પરંતુ માણસ ન બનાવીને તેમને વાંદરો બનાવી દીધો. પૂછડું લગાવી દીધું. એમનું મોંઢું કાળું કરી દીધું કેમ કે હનુમાન દલિત હતા. આથી એ સમયે પણ એમનું અપમાન કરવામાં આવ્યું. એમણે કહ્યું કે હવે દેશ ન તો ભગવાન રામ કે ન મંદિરના નામે ચાલશે. હવે દેશ ફકત ભારતીય બંધારણ ના નામે જ ચાલશે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો અગાઉ અલવરમાં એક રેલી સંબોધતા યુપીના સીએમ યોગી આદિત્યનાથે હનુમાનને દલિત અને વનવાસી કહ્યા હતા. ત્યારબાદ સીએમ વિવાદોમાં ફસાઈ ગયા હતા અને એમની વિરૂદ્ધ નોટિસ જારી થઈ હતી.