(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
શહેરનાં સયાજીપુરા ગામના રહિશોની સ્મશાનની માંગ પુરી નહિં થતાં ચુટણી બહિષ્કારની તેમજ સ્મશાન નહિં તો વોટ નહિંનાં પોસ્ટરો લગાવી રાજકીય પક્ષોને ગામમાં નહિં પ્રવેશવા ચીમકી ઉચ્ચારી છે. શહેર નજીક સયાજીપુરા ગામનાં લોકો સ્મશાનની માંગ સાથે સરકાર સામે મેદાને પડ્યાં છે. સયાજીપુરા ગામના માજી સરપંચ જણાવ્યા અનુસાર ૧૯૫૮થી વડોદરા શહેરમાં આવેલ કમલાનગર કે જ્યાં હાલમાં પાલિકા દ્વારા શાકમાર્કેટને જગ્યા અપાઈ છે તે જગ્યા સયાજીપુરાના સ્મશાન તરીકે ઉપયોગમાં લેવાતી હતી. પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી આ જગ્યા શાકમાર્કેટને ફાળવી દેવાઈ છે. સયાજીપુરા ગામનાં સ્મશાન માટે અનેકવાર જિલ્લા કલેકટર સહિત વિસ્તારનાં કોર્પોરેટર અને મહાનગરપાલિકાનાં અધિકારીઓને રજુઆત કરી છે. પરંતુ આજદિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ગામમાં સ્મશાન ન હોવાથી મરણ પ્રસંગે અંતિમ ક્રિયા માટે ડભોઈ નજીક આવેલા ચાંદોદ ખાતે જવું પડે છે. તેવામા અનેક વખતની રજુઆત બાદ પણ હજી સુધી ગામજનોની સ્મશાનની માંગ સંતોષાઈ હતી. ગત્ વિધાનસભાની ચુંટણીમાં વિજય થયા બાદ ભાજપનાં મહિલા ધારાસભ્ય હજ સુધી વિસ્તારની મુલાકાત લેવા એક પણ વાદ આવ્યા નથી. ત્યારે હવે જ્યારે વિધાનસભાની ચુટણીની જાહેરાત થઈ છે. ત્યારે જ્યાં સુધી અમારી સ્મશાનની માંગ નહિં સંતોષાય ત્યાં સુધી ચુંટણી બહિષ્કારની સાથે ચુંટણી સમયે કોઈપણ પક્ષને રાજકીય નેતાઓને ગામમાં પ્રવેશવા દેવામાં નહિં આવે. ગ્રામજનો આજે વિકાસનાં બણગા ફુંકતા નેતાઓ સામે વિરોધ દર્શાવી ગામના ગેટ પર બેનર સાથે વિરોધ દર્શાવતા આગામી વિધાનસભાની ચુંટણી સત્તાપક્ષ તેમજ અન્ય પક્ષો માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે તેમ છે.
સયાજીપુરા ગામના લોકોની સ્મશાનની માંગ પૂરી નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ધમકી

Recent Comments