(સંવાદદાતા દ્વારા) વઢવાણ, તા.૧૦
સાયલા તાલુકાના સોખડા ગામના પેસેન્જરો સાયલાથી પિકઅપ ગાડીમાં અન્યત્ર જઈ રહ્યા હતા ત્યારે સાયલા નેશનલ હાઈવે ઉપર પસાર થતી આ પિકઅપ ગાડી સાથે ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. જેમાં ૧૦ જણા ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પિકઅપ ગાડીમાં અંદાજે ૧૦ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી છે. ત્યારે આ પિકઅપ વાનનો ડમ્પર ચાલકે કડસલો બોલાવતા સાયલા નેશનલ હાઈવે ઉપર અનેક વાહનો થંભી ગયા હતા. સાયલા પોલીસ અકસ્માતના સ્થળ ઉપર દોડી ગયેલ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે સાયલાના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ૧પ વર્ષના એક રબારી કિશોરને ગંભીર ઈજા થવા પામેલ છે. જેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો છે.

વઢવાણની ભોગાવામાંથી કોહવાયેલ હાલતમાં મળી લાશ

વઢવાણ શહેરમાં પસાર થતી ભોગાવા નદીમાં કોહવાઈ ગયેલ હાલત અને અવયવો શરીરના છૂટા પડી ગયા હોય એવી હાલતમાં એક વિકૃત લાશ મળી હતી. જ્યાં વઢવાણ પોલીસ કાફ્લા સાથે દોડી આવેલ કોહવાઈ ગયેલ આ લાશ તેના છૂટાછવાયા પડેલા અવયવો પોટલામાં બાંધી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. તેનું ફોરેન્સિક પીએમ કરવું પડે તેમ હોવાના કારણે રાજકોટ મોકલવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.