(એજન્સી) નિકાસિયા,તા.૧૧
પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે પૂર્વીય ભૂમધ્ય દ્વીપના ઉત્તરી કિનારે તણાઇ આવેલી હોડીઓમાં સાયપ્રસ દરિયાઇ પોલીસે કુલ ૩૦૫ સીરિયન વસાહતીઓને બચાવ્યા હતા. પ્રવક્તાએ જણાવ્યું કે શનિવારે બપોરે ખીચોખીચ ભરેલી બે હોડીઓ જોવા મળી હતી. આ હોડીઓએ સમુદ્ર સીમામાં પ્રવેશી ત્યારે પ્રદેશમાં ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો હતો ત્યારે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેમ પ્રવક્તાએ જણાવ્યું હતું. સાયપ્રસના ઉત્તરપશ્ચિમી બંદરો ખાતે આ બે હોડીઓને ખેંચીને લાવવામાં આવી હતી. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે એક હોડીમાં ૧૭૧ લોકો અને બીજી હોડીમાં ૧૩૪ લોકો સવાર હતા. બંને હોડીઓમાં કુલ ૩૦૫ લોકો સવાર હતા, તેમાં ૨૦૨ પુરૂષો, ૩૦ મહિલાઓ અને ૭૩ બાળકોનો સમાવેશ થાય છે. હોડીમાં સવાર તમામ પ્રવાસીઓ સહીસલામત હતા. જો કે એક મહિલા અને તેના ૧૦ મહિનાના બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેેમ પ્રવક્તાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે બીજી હોડીમાંથી એક શખ્સની તસ્કરી કરવાની શંંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક વસાહતીઓએ જણાવ્યું હતું કે આ પ્રવાસ માટે તેમણે તે વ્યક્તિને નાણાં ચૂકવ્યા હતા અને તે જ હોડી ચલાવી રહ્યો હતો. તેની પાસેથી જપ્ત કરવામાં આવેલી બેગમાંથી અઢળક નાણાં અને ઘડિયાળો મળી આવ્યા હતા. વસાહતી કેન્દ્રએ લઇ જતાં પહેલાં વસાહતીઓને નિકોસિયા પાસે આવેલા સ્પેશિયલ કોમ્પ્લેક્ષમાં લઇ જવામાં આવ્યા હતા. આ વર્ષે અહીં આવનારા વસાહતીઓની સંખ્યા ૮૦૦ થઇ હતી. વર્ષ ૨૦૧૬માં આશરે ૬૦૦ વસાહતીઓ અહીં આવ્યા હતા. નવા વસાહતીઓએ જણાવ્યું કે તેમણે સાયપ્રસ સુધીની ૩૦૦ કિમીની યાત્રા માટે વ્યક્તિ દીઠ ૨ હજાર ડોલર ચૂકવ્યા હતા.