(એજન્સી) દોહા, તા.૩૦
ખાડી દેશો સાથેના સંબંધને ગાઢ બનાવવા માટે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ હાલ કતારની મુલાકાતે ગયા છે, જ્યાં તેઓ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય અને રાજદ્વારી સંબંધોને આગળ ધપાવવા માટે ચર્ચા કરશે. બંને દેશો દ્વારા આ અંગે આંતર મંત્રાલયી ઉચ્ચ સ્તરીય સંયુક્ત સમિતિ બનાવવાના એક સંયુક્ત દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
પીએમ મોદીની વર્ષ ર૦૧૬માં કતાર યાત્રા દરમિયાન ભારતના ઊર્જા સેક્ટરમાં પ અરબ ડોલરના નવા રોકાણની વાત થઈ હતી, તે પણ કંઈ ખાસ આગળ વધી શકી નથી. સ્વરાજ આ વિશે વાત કરશે. કતાર અને ભારતની વચ્ચે સામુદ્રિક સુરક્ષામાં સહયોગ અંગે પણ એક કરાર થયો છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું કે, વિદેશમંત્રીની કતારની આ પહેલી યાત્રા છે. તેમણે એક ટ્‌વીટમાં જણાવ્યું છે કે, ‘વિદેશમંત્રી કતારના અમીરને મળશે અને વિદેશમંત્રીની સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરશે. વિદેશમંત્રી ર૮ અને ર૯ ઓક્ટોબરના બે દિવસીય પ્રવાસ દરમિયાન દોહામાં ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે. કતાર બાદ વિદેશમંત્રી કુવૈત જવા રવાના થશે કે જેની સાથે ભારતના નજીકના અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો છે.
ભારત અને કતારે પોતાના સંબંધોને દરેક જગ્યા પર મજબૂત બનાવવા અને પરસ્પરના હિતોને ધ્યાનમાં રાખીને સંયુક્ત સમિતિની રચના કરવાનું નક્કી કર્યું છે કે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
૧. આંતર મંત્રાલયી ઉચ્ચ સ્તરીય સંયુક્ત સમિતિને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવશે. ખાસ કરીને આર્થિક, વાણિજ્યિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, તકનિક, સૂચના તકનિક અને શિક્ષણ ક્ષેત્રમાં સંબંધ મજબૂત કરવાની જવાબદારી રહેશે.
ર. સમિતિ પર બંને દેશો વચ્ચે થયેલા કરારોને લાગુ કરવા પર નજર રાખવાની જવાબદારી રહેશે. સમિતિ કરાર લાગુ કરવામાં ઊભી થનારી મુશ્કેલીઓનો યોગ્ય ઉકેલ લાવશે.
૩. સૂચના તેમજ કુશળતાના આદાનપ્રદાનને સુગભ બનાવવા અને બંને દેશો વચ્ચે સેવા સહયોગમાં દ્વિપક્ષીય વિચાર-વિમર્શને પ્રોત્સાહન આપવા જેવી બાબત પણ તેમાં સામેલ છે.
૪. સંયુક્ત સમિતિનું નેતૃત્વ બંને દેશોના વિદેશમંત્રાલય અથવા તેમના પ્રતિનિધિ કરશે. બંને દેશોના સહયોગવાળા ક્ષેત્રોના પ્રતિનિધિ તેના સભ્ય રહેશે.
પ. બંને દેશોની વચ્ચે સહમતીને આધારે વૈકલ્પિક રૂપે સંયુક્ત સમિતિની બેઠક યોજાશે. બેઠક પહેલાં વ્યૂહરચનાત્મક સંઘર્ષના માધ્યમથી એજન્ડાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.