(એજન્સી) તા.૧૦
કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેઓની નિવૃત્તિવય પહેલાં જ નિવૃત્ત કરી દેવાના સરકારના મનસ્વી નિર્ણયની સેન્ટ્રલ ટ્રેડ યુનિયને ગત ૨ સપ્ટેમ્બરના રોજ આકરી ઝાટકણી કાઢી હતી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ની સ્વૈચ્છિક નિવૃત્તિની યોજનાને પાછી ખેંચી લેવાની ઉગ્ર માંગ કરી હતી.
સેન્ટ્રલ ટ્રેડ યુનિયન અને સેક્ટોરલ ફેડરેશનની ગત ૩૧ ઓગસ્ટના રોજ યોજાયેલી બેઠકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેના કર્મચારીઓ માટે રજૂ કરાયેલી સ્વેચ્છિક નિવૃત્તિ યોજનાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને આ યોજનાને મનસ્વી પહેલ ગણાવી હતી. આ યોજનામાં બેકે એવી દરખાસ્ત કરી છે કે જે કર્મચારીએ બેંકમાં ૨૫ વર્ષની નોકરી પૂરી કરી હશે અથવા તો ૫૫ વર્ષની વય વટાવી દીધી હશે તેઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવશે. કામદાર યુનિયન દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ યોજનાએ બેંકના સત્તાવાળાઓને જે કર્મચારીએ ૫૦-૫૫ વર્ષની વય વટાવી દીધી હશે તેઓને નિવૃત્તિના ૫ થી ૧૦ વર્ષ પહેલા ઘર બેસાડી દેવાની સત્તા આપી દીધી છે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે નિવૃત્તિની વય પહેલા બળજબરીપૂર્વક કર્મચારીને ઘેર બેસાડી દેવા માટે તે કર્મચારી કામ કરવામાં સક્ષમ નથી અને શંકાસ્પદ નિષ્ઠા જેવા તદ્દન ક્ષુલ્લક આધાર લેવામાં આવ્યા છે. આ યોજનાના કારણે સક્ષણ સત્તાવાળાઓને કોઇપણ કર્મચારીને ઘેર બેસાડી દેવા તેની પસંદગી કરવાની સત્તા મળી જાય છે એટલું જ નહીં પરંતુ ભોગ બનેલા કર્મચારીને તેની બળજબરીપૂર્વકની નિવૃત્તિ બદલ તેની રજૂઆત કરવાની પણ કોઇ તક અપાઇ નથી જે કુદરતી ન્યાયનું છડેચોક ઉલ્લંઘન છે.
કામદાર યુનિયને આરોપ મૂક્યો હતો કે સરકારની આ પ્રકારની પહેલમાં કર્મચારી, કામદાર અને યુનિયનના મૂળભૂત અધિકાર સામે તેના સરમુખત્યારશાહી વલણનું પ્રતિબિંબ પડે છે. તે ઉપરાંત યુનિયને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા શ્રમ કાયદામાં કરવામાં આવેલા એ ફેરફારની પણ આકરી આલોચના કરી હતી જેના થકી કામદારો ઉપર આભાસી ગુલામી લાદી દેવામાં આવી છે.