(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૭
શહેરના રિંગરોડ સ્થિત રૂષમ પેટ્રોલપંપની બાજુમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી મોર્ગેજ ડીડમાં ખોટી વ્યકિતની ઓળખ આપી રૂા.૮૨.૬૩ લાખની ઠગાઈ કરનાર પિતા-પુત્ર સહિત ૬ લોકો વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રીંગરોડ સ્થિત રૂષભ પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા આવેલી છે. આ બેંકમાંથી આરોપી સરથાણાની ૠષિકેશ રેસિડેન્સીમાં રહેતા રાહુલ તુલસીભાઈ શંકર તેના પિતા તુલસીભાઈ, વેલજીભાઈ શંકર, કતારગામ મગન નગરમાં રહેતા હસમુખભાઈ વેલજીભાઇ નારોલા, કતારગામ, અક્ષરધામ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ જાદવભાઈ મોતીસરિયા તથા પુણા ગામ હસીનાપુર સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઇ મેઘજીભાઈ ધોળાએ ભેગા મળી મોર્ગેજ ડીડ આધારે લોન મેળવી રૂા. ૮૨,૬૩,૯૦૦ની છેતરપિંડી કરી હતી. બેન્ક ઓડીટ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે, ઉપરોકત તમામ આરોપીઓએ બેન્કમાંથી લોન મેળવવા માટે રજૂ કરેલ મોર્ગેજ ડીડ અને રીલીજ ડીડમાં ખોટી વ્યકિતની ઓળખ આપી લોન લીધી હોવાનું બહાર આવ્યું હતું. ઠગાઈના બનાવ અંગે જયેશભાઈ કલ્યાણજીભાઈ જાગડિયાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.