(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૭
ભાજપ સરકારના કેબિનેટમંત્રીએ આજે સૌરાષ્ટ્રના જેતપુરમાં દબંગગીરી કરી બેંકની તાળાબંધી કરી દેવાનો બનાવ બનવા પામતા ચર્ચા વ્યાપી જવા પામી છે. ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં ધક્કા ખવડાવવાના મુદ્દે કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની જેતપુર શાખામાં હોબાળો મચાવી દીધો હતો અને એક મહિનામાં જો ખેડૂતોને વીમાની રકમ નહીં ચૂકવાય તો શહેરની તમામ એસબીઆઈ બેઠકને તાળા મારી દેવાની ચીમકી ઉચ્ચારતા સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. ખેડૂતોને સાથે રાખીને મંત્રી રાદડિયાએ પાક વીમા મુદ્દે આજે ઉગ્ર રજૂઆત કરી હતી. ૧૨૫ ખેડૂતોના પાક વીમા મુદ્દે જીમ્ૈંને ખુલ્લી ધમકી આપવામાં આવી હતી. જેતપુર તાલુકાના દસ જેટલા ગામના ૧૨૫ જેટલા ખેડૂતોને વર્ષ ૨૦૧૭ના પાક વીમા માટે છેલ્લા એક વર્ષથી શહેરમાં આવેલી એસબીઆઈ બેંકે ધક્કા ખાઈ રહ્યા હતા. ખેડૂતોની અનેક રજૂઆત છતા બેંક દ્વારા પાક વીમા બાબતે ઉદાસીનતા દર્શાવતા હોય ખેડૂતો દ્વારા બે મહિના પૂર્વે અર્ધ નગ્ન અવસ્થામાં બેંક તેમજ મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોને તાત્કાલિક પાક વીમો ચૂકવવાની માંગ કરી હતી. તત્કાલીન સમયે બેંક મેનેજર દ્વારા ખેડૂતોને ટૂંક સમયમાં વીમો ચૂકવશે તેવી ધરપત આપી હતી. આજે વિઠ્ઠલ રાદડિયાના પુત્ર અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જેતપુર શાખામાં જઈને તાળાબંધી કરી હતી. મંત્રી જયેશ રાદડિયાનો દાવો છે કે અનેક રજુઆતો કરવામાં આવ્યા પછી પણ બેંકે ખેડૂતોનો પાક વીમો ન ચુકવતા તાળાબંધી કરવાની ફરજ પડી હતી. ખેડૂતોને પાક વીમો ન મળતા ખેડૂતો દ્વારા રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જયેશ રાદડિયાએ આજે ખેડૂતો સાથે એસબીઆઇ બેંકમાં જઈને બેંક મેનેજરનો કડક ભાષામાં ઉધડો લીધો હતો. રાદડિયાએ એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો એક મહિનામાં ખેડૂતોને વીમાની રકમ નહીં મળે તો જેતપુરની અંદર તમામ એસબીઆઈ બેંકને તાળા મારી દેવામાં આવશે. જયેશ રાદડિયાએ જણાવ્યું હતુ કે ૧૨૫ ખેડૂતોએ સમયસર બેંકને પ્રીમિયમ ભરી દીધું હતું. આ પ્રીમિયમ કોઈ કારણને લીધે બેંક તરફથી વીમા કંપનીને મળ્યું ન હતું. બેંક અને વીમા કંપનીની તકરારમાં ખેડૂતો છેલ્લા ૧૧ મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે. જયેશ રાદડિયાએ એસબીઆઇ બેંક પર ખેડૂતો સાથે હોબાળો કરતા બેંક મેનેજરે તરત જ પોલીસ બોલાવી લીધી હતી. જોકે, કેબિનેટ મંત્રી સામે પોલીસ પણ મૂક પ્રેક્ષક જ બની ગઈ હતી અને તમામ કાર્યવાહી મુંગા મોઢે નિહાળી હતી.